- બ્રિટિશ સરકારે આ બહાદુર યોદ્ધાઓની શહીદી પછી અહીં અગ્નિસંસ્કાર કર્યા હતા.
ફિરોઝપુર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ ભગત સિંહના ગૌરવશાળી વારસાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે હુસૈનીવાલા મેમોરિયલના સંપૂર્ણ નવીનીકરણની જાહેરાત કરી છે. શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ભૂમિ દરેક નાગરિક માટે પવિત્ર છે કારણ કે બ્રિટિશ સરકારે આ બહાદુર યોદ્ધાઓની શહીદી પછી અહીં અગ્નિસંસ્કાર કર્યા હતા.
તેમણે કહ્યું કે આ સ્થાન યુવા પેઢીને રાષ્ટ્રની નિ:સ્વાર્થ સેવા માટે પ્રેરણા આપતું રહેશે. ભગવંત માને જણાવ્યું હતું કે, શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દરરોજ આવતા સેંકડો શ્રદ્ધાળુઓને સુવિધા મળી શકે તે માટે આ સ્થળના સર્વાંગી વિકાસ માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં માતૃભૂમિ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને ગર્વ છે.
ભગવંત માને કહ્યું કે રાજ્ય સરકાર શહીદ-એ-આઝમ ભગતસિંહના સપનાને સાકાર કરવામાં કોઈ ક્સર છોડશે નહીં. તેમણે કહ્યું કે આખો દેશ તેમના આ સાચા વંશજનો હંમેશા ૠણી રહેશે, જેમણે ૨૩ વર્ષની નાની વયે દેશને બ્રિટિશ સામ્રાજ્યવાદની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મુખ્યમંત્રીએ યુવાનોને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ આપવા ફિરોઝપુર ખાતે ટેકનિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે આ સાથે સરહદી જિલ્લાના યુવાનો દેશની સામાજિક-આર્થિક પ્રગતિમાં સક્રિય સહભાગી બની શકશે. ભગવંત માને કહ્યું કે કૌશલ્ય પ્રશિક્ષણથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે, જેનાથી રાજ્યમાંથી બ્રેઈન ડ્રેઈન પણ અટકશે.
આ પવિત્ર ભૂમિ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્ર્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. તેમણે કહ્યું કે લોકોની સુવિધા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં હુસૈનીવાલા ખાતે ટેન્ટ સિટી બનાવશે, જેથી અહીં આવતા પ્રવાસીઓને આરામદાયક આવાસ મળી શકે. ભગવંત માને કહ્યું કે હુસૈનીવાલા મ્યુઝિયમના નવીનીકરણની યોજના પણ વિચારણા હેઠળ છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપશે. મુખ્યમંત્રીએ ફિરોઝપુરને દેશભરનું મુખ્ય પ્રવાસન કેન્દ્ર બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ સરહદી નગરમાં પર્યટનની અપાર સંભાવના છે, જેનું અત્યાર સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.
ભગવંત માને જણાવ્યું હતું કે અમારી સરકાર આ શહેરને વિક્સાવવા અને તેને પર્યટનની દૃષ્ટિએ વિશ્ર્વના નકશા પર લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બીએસએફની જોઈન્ટ ચેક પોસ્ટ ખાતે યુદ્ધ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૧૨ લાખ રૂપિયાના ખર્ચે બનેલ આ યુદ્ધ સ્મારકનો ઉપયોગ બીએસએફ દેશની સરહદોની સુરક્ષા માટે કરશે. ભગવંત માને હુસૈનીવાલામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખોલવામાં આવેલી સ્મારક શોપ પણ લોકોને સમર્પિત કરી.