પંજાબના અમૃતસરમાં ભૂકંપ, રિકટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ


અમૃતસર,
પંજાબના અમૃતસરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે વહેલી સવારે અમૃતસરમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મયરાત્રે ૩.૪૨ કલાકે આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ અમૃતસરથી ૧૪૫ કિમી દૂર હતું. એનસીએસ અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે ૧૨૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ પહેલા શનિવારે રાત્રે ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

રિપોર્ટ્સ અનુસાર, શનિવારે આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે ચંદીગઢમાં એક આર્ટ કોલેજની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આમાં કોઈ દુર્ઘટના થઈ નથી. રિપોર્ટ અનુસાર, શનિવારે રાત્રે લગભગ ૮ વાગ્યે ભૂકંપ આવ્યો હતો, પરંતુ સરકારી આર્ટ કોલેજની દિવાલ ૧૦ વાગ્યે ધરાશાયી થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

શનિવારે રાત્રે આવેલા ભૂકંપના આંચકા ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં અનુભવાયા હતા.એનસીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ માપવામાં આવી હતી. જોકે તેનું કેન્દ્ર નેપાળમાં જણાવવામાં આવ્યું હતું. નેપાળની ભૂકંપ મોનિટરિંગ સંસ્થાના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બજાંગમાં હતું.એટલું જ નહીં ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે, લગભગ ૪.૨૫ વાગ્યે રાજ્યના પૌડી ગઢવાલ ક્ષેત્રમાં ૩.૪ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો હતો. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના સિસ્મિક ઝોનિંગ નકશા અનુસાર, દિલ્હી સિસ્મિક ઝોન IV માં આવે છે, ઝોન IV માં એવા વિસ્તારોનો સમાવેશ થાય છે જે સિસ્મિકલી બીજા કરતા સૌથી વધુ સક્રિય છે, જ્યારે ઝોન V સૌથી વધુ સક્રિય છે, જેમાં ધરતીકંપનું સૌથી વધુ જોખમ રહે છે.