પૂણે પૂણે પોલિસે ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કાર્ટેલ લિક્ધનો પર્દાફાશ કરીને કુલ ૧૭૦૦ કિલોગ્રામ મેફેડ્રોનની જપ્તી કરી છે, જેનું મૂલ્ય રૂ. ૩૫૦૦ કરોડની આસપાસ આંકવામાં આવ્યું છે એમ ટોચના પોલિસ અધિકારીએ જણાવ્યું હતું. પૂણે પોલિસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, ડ્રગનાં કેટલાંક કન્સાઇનમેન્ટ રેડી ટુ ઇટ ફુડ પેકેટની અંદર છુપાવીને લંડન મોકલવામાં આવ્યા જેનાં માટે દિલ્હી સ્થિત કુરિયર કંપનીની સેવા લેવામાં આવી હતી.
પોલિસે પૂણે અને દિલ્હીનાં કેટલાંક સ્થળોએ ડ્રગ્ઝનો જથ્થો પકડ્યો હતો, જેમાં અત્યાર સુધી આઠ જણની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ આ ઘટનાની કડી શોધવા પ્રયાસ કરી રહી છે. પૂણે અને દિલ્હીમાં અનુક્રમે ૭૨૦ કિલો અને ૯૭૦ કિલોની જપ્તી કરવામાં આવી હતી, જેનું સંયુક્ત મૂલ્ય રૂ. ૩૦૦૦ કરોડથી રૂ. ૩૫૦૦ કરોડ થાય છે. ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કમાં દિલ્હી સ્થિત કુરિયર કંપનીની સંડોવણી બહાર આવી છે, જે ફુડ પેકેટમાં ડ્રગ છુપાવીને લંડન મોકલતી હતી. દિલ્હી અને પૂણે પોલિસે સંયુક્ત રીતે મળીને દિલ્હીનાં કોટલા મુબારકપુર અને હૌઝ ખાસ એરિયામાં રેડ પાડી હતી. એક સંબધિત ઘટનાક્રમમાં ડ્રગ્ઝનાં પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ભૂમિકા બદલ બે મહત્વનાં શંકાસ્પદો ભીમાજી સાબાળે અને યુવરાજ ભુજબળની ધરપકડ કરવામાં આવી હતી.