મહારાષ્ટ્રના પુણેમાં પૂર્વ એનસીપી કાઉન્સિલર વનરાજ આંદેકરની રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ કાઉન્સિલર પર એક પછી એક પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોળીબાર બાદ વનરાજ આંદેકરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પોલીસે જણાવ્યું કે આ ઘટના પુણેના નાનાપેઠના ડોકે તાલિમ વિસ્તારમાં રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યે બની હતી. એવી આશંકા છે કે આંદેકરની હત્યા વર્ચસ્વના વિવાદને કારણે કરવામાં આવી છે. આંદેકરના સંબંધીઓ પર જ હત્યાની આશંકા છે. પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
હુમલાના સીસીટીવી ફૂટેજ વાઇરલ ઘટનાના CCTV ફૂટેજ પણ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ૫-૬ બાઇક પર આવેલા ૧૨ જેટલા યુવકો એક સાથે આંદેકર પર હુમલો કરતા જોવા મળે છે. જેવા હુમલાખોરો આંદેકર પાસે પહોંચ્યા. આંદેકર પોતાનો જીવ બચાવવા પાછળની તરફ દોડવા લાગ્યા. દરમિયાન એક હુમલાખોરે આંદેકરને કાન પાસે ગોળી મારી હતી.આંદેકર લોહીથી લથપથ થઈ ગયા બાદ હુમલાખોરે બંદૂક હવામાં લહેરાવતા ગોળીબાર કર્યો હતો. આ પછી તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા.
રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોએ આંદેકરની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું. વિસ્તારની લાઇટ કાપી નાખી હતી. લાઇટ ન હોવાને કારણે આંદેકર બહાર રોડ પર એકલા ઊભા હતા. હુમલાખોરો છરી લઈને પણ સ્થળ પર પહોંચ્યા હતા. જો કે હજુ સુધી છરી વડે હુમલાની કોઈ ઘટના સામે આવી નથી.
વનરાજ આંદેકર ૨૦૧૭ની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયા હતા.એનસીપી બે જૂથોમાં વિભાજિત થયા પછી, તેમણે અજીત જૂથને ટેકો આપ્યો હતો. આ પહેલા તેમની માતા રાજશ્રી આંદેકર ૨૦૦૭ અને ૨૦૧૨માં બે વખત કાઉન્સિલર રહી ચૂક્યા છે. વનરાજ આંદેકરના પિતરાઈ ભાઈ ઉદયકટ આંદેકર પણ કાઉન્સિલર હતા. આ સિવાય તેમની બહેન વત્સલા આંદેકર પુણેના મેયર રહી ચૂક્યા છે.
આંદેકર ગેંગ ૨૫ વર્ષથી પુણેમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ગેંગના લીડર સૂર્યકાંત આંદેકર ઉર્ફે બંડૂ છે, જે વનરાજ આંદેકરના પિતા છે. ગેંગસ્ટર પ્રમોદ માલવડકરની હત્યા કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે થોડા દિવસ પહેલા જ તેમને જામીન મળી ગયા હતા.
આંદેકર ગેંગ અને માલવડકર ગેંગ વચ્ચે અનેક વખત બબાલ થઈ છે. સૂર્યકાંત આંદેકર સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, હુમલો વગેરે જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ સૂર્યકાંત આંદેકર અને અન્ય ૬ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.