- અજાણ્યા તસ્કરોએ ચેન પુલિંગ કર્યા બાદ સ્લીપર કોચના ચાર મુસાફરો પાસેથી લાખોના માલમત્તાની ઉઠાતરી કરી.
- તસ્કરોએ સોના-ચાંદીના દાગીના રોકડ રકમ, આધાર કાર્ડ પાનકાર્ડ જેવા દસ્તાવેજો, તેમજ મોબાઇલ ફોન ચોર્યા.
દાહોદ, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં સમાવિષ્ટ ગોધરાના ખરસલીયા રેલવે સ્ટેશન પર પુણે થી ઇન્દોર તરફ જતી દોન્ડ એક્સપ્રેસ ટ્રેનની ચેન પુલિંગ થયા બાદ ગુજરાત પોલીસની એસ્કોર્ટ ટીમની પેટ્રોલિંગ વચ્ચે અજાણ્યા તસ્કરોએ જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં ચાર જેટલા મુસાફરોના સોના-ચાંદીના દાગીના રોકડ રકમ, મોબાઈલ ફોન, જરૂરી ડોક્યુમેન્ટ સહિતના લાખો રૂપિયાના સરસામાનની ચોરીનો બનાવ સામે ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ગુજરાત રેલવે પોલીસની એસ્કોર્ટ ટીમની પેટ્રોલિંગ વચ્ચે આ બનાવ બનતા ગુજરાત રેલવે પોલીસની કામગીરી ઉપર પ્રશ્ર્નાર્થ ઉભા થવા પામ્યા છે. ત્યારે ભોગ કરનાર મુસાફરોએ આ મામલે આરપીએફને પ્રાથમિક માહિતી આપી ઉજજૈન તેમજ ઇન્દોર ખાતે ફરી ગુનો દાખલ કરાવવાનું જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ તારીખ 22.07.2023 ના રોજ પુણે થી ઇન્દોર તરફ જતી ટ્રેન નંબર 22943 દોંડ સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન તેના નિયત સમયે પુણે થી ઉપડી ઇન્દોર જવા રવાના થઈ હતી. તે સમયે રસ્તામાં રાત્રિના 1:45 વાગ્યાના અરસામાં ટ્રેન ગોધરા રેલવે સ્ટેશન પર આવે તે પહેલા ખરસાલીયા રેલવે સ્ટેશન ખાતે ચેન પુલિંગ થતા ટ્રેન રોકાઈ હતી. તે સમયે ટ્રેનમાં સવાર મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. તે સમયે અજાણ્યા તસ્કરોએ તકનો લાભ લઈ ટ્રેનના જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં મુસાફરોના બેગ ની ચોરી કરી રાત્રિના અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા. જોકે ટ્રેન પુન: શરૂ થઈ હતી અને ગોધરા આવીને ઊભી રહેતા ટ્રેનમાં ચોરી થઈ હોવાની વાયુવેગે પ્રસરતા ગુજરાત રેલવે પોલીસ તેમજ આરપીએફ પ્લેટફોર્મ પર દોડી આવી તપાસ કરતા અજાણ્યા તસ્કરોએ ટ્રેનના જ/5 કોચમાં પુણે થી ઈન્દોર જતા અને 4 નંબરની સીટ પર મુસાફરી કરનાર ક્રિષ્ના સિંગલ રહેવાસી થાનિકુંજ નગર મકાન નંબર 184 ઇન્દોરના પાસેથી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયા હતા તેમાં લેડીઝ પર્સ, મંગલસૂત્ર, એક મોબાઈલ ફોન બે ડેબિટ કાર્ડ, ઘરની ચાવી,પેનકાર્ડ આધારકાર્ડ, 25000 રૂપિયા રોકડા , સોનાની કાનની તેમજ નાકની બાળીઓ સહિતનો સરસામાન ચોરાઈ જવા પામ્યો હતો. ત્યારબાદ તસ્કરો સુરત થી ઉજ્જૈન જતી અને જ/8 કોચમાં 18 નંબરની સીટ પર બેસેલી દિદિતા રહેવાસી ડુંગરી ફળિયા વલસાડ પાસેથી તસ્કરો 8000 રૂપિયાના સર સામાન ભરેલી બેગ જેમાં આધાર કાર્ડ પાનકાર્ડ,વોટર કાર્ડ , તેમજ એટીએમ સહિતના ડોક્યુમેન્ટ પણ ચોરીને લઈ ગયા હતા. ત્યારબાદ તસ્કરો પુણે થી ઉજ્જૈન જતા જ/8 કોચમાં 65/68 શાંતા બદુંતા રહેવાસી ઢઢતા નગર સોલાપુર મહારાષ્ટ્ર પાસેથી લેડીઝ પર્સ,મોબાઈલ ફોન,5000 રૂપિયા રોકડ, એટીએમ,પાનકાર્ડ,આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ની ચોરી કર્યા બાદ સોલાપુર થી ઉજ્જૈન જતા અને ટ્રેનના જ/6 કોચમાં 65 નંબરની સીટ પર મુસાફરી કરનાર પ્રેમીલા પંચોલી રહેવાસી નવી મુંબઈ પાસેથી તસ્કરો લેડીઝ પર્સ 20,000 તેમજ ગળાનું મંગળસૂત્ર સહિતનું સર સામાન ચોરીને લઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખની છે કે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ટ્રેન વડોદરા થી શરૂ થયા બાદ ગોધરા રોકાણ કરવાની હતી પરંતુ તસ્કરોએ ગોધરા પહેલા ખરસાલીયામાં ચેન પુલિંગ કર્યા બાદ એક બે નહીં પરંતુ ચાર મુસાફરોને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમતા ચોરીને રાત્રિના અંધારામાં રફુ ચક્કર થઈ ગયા હતા. જોકે આ ટ્રેનમાં છાયા પૂરી થી મેઘનગર સુધી ગુજરાત રેલવે પોલીસની એસ્કોર્ટ ટીમ પણ પેટ્રોલિંગ કરી રહી હતી પરંતુ તસ્કરોએ આ એસ્કોર્ટ પાર્ટીની ટીમની હાજરીમાં ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી જતા ગુજરાત રેલવે પોલીસની કામગીરી સામે પ્રશ્ર્નાર્થ ઉભા થવા પામ્યા છે. તો બીજી તરફ આ ચોરીની ઘટનામાં ઉપરોક્ત મુસાફરો દ્વારા તેમના ગંદોસ્થાન પર જઈ પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે. ત્યારે તસ્કરોનો ભોગ બનનાર મુસાફરો પાસે પહોંચેલી આરપીએફની ટીમે અટેન્ડ કર્યા હતા અને આગળની કાર્યવાહી કરવામાં ગુજરાત રેલવે પોલીસ સાથે જોડાઈ ગઈ હતી.