- વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરની ધરતી પરથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો છે,લેફ્ટનન્ટ ગવર્નર
જમ્મુ સેક્ટરમાં પીર પંજાલ રેન્જના દક્ષિણમાં પાકિસ્તાનના આતંકવાદી જૂથો ફરી એકવાર આતંકવાદને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં લગભગ ૩૫-૪૦ વિદેશી આતંકવાદીઓ સક્રિય છે, જેઓ નાની ટીમોમાં કામ કરી રહ્યા છે અને દરેક ટીમમાં બેથી ત્રણ આતંકવાદીઓ છે.
સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓની સંખ્યાનો અંદાજ ગુપ્તચર એજન્સીઓ અને જમીન પર કાર્યરત દળો પાસેથી મળેલા ઈનપુટ્સ પર આધારિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સવસ ગ્રુપના ભૂતપૂર્વ સભ્યો છે અને લગભગ ત્રણ વર્ષથી રાજૌરી, પૂંચ અને કઠુઆ સેક્ટરમાં આતંકવાદને ફરીથી સક્રિય કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ રિયાસી અને કઠુઆમાં તાજેતરમાં થયેલા હુમલામાં પણ સામેલ હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં બીજા સ્તરની આતંકવાદ વિરોધી ગ્રીડને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા અને તેની આસપાસના વિસ્તારોમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરી રહી છે. સેનાએ છેલ્લા કેટલાક મહિનામાં અહીં વધારાના સૈનિકો પણ મોકલ્યા છે, જેઓ ૨૦૦ સશસ્ત્ર વાહનો સાથે કામ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદ અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કડક કાર્યવાહીની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. તાજેતરના આતંકવાદી કૃત્યો દુશ્મનની નિરાશાની નિશાની છે. લેટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રિયાસી જિલ્લાના તલવાડામાં સહાયક પોલીસ પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ૮૬૦ પોલીસ ભરતીની પાસિંગ આઉટ પરેડમાં જણાવ્યું હતું કે આપણે આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને શોધી કાઢવા જોઈએ. પોલીસે આતંકનો નિકાસ કરનાર પાડોશીને નિરાશ કર્યો છે.
લેટનન્ટ ગવર્નરે કહ્યું કે વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરની ધરતી પરથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો છે. પોલીસે હંમેશા પડકારજનક સંજોગોમાં ઉચ્ચ સ્તરની વ્યાવસાયિક શ્રેષ્ઠતા દર્શાવી છે. ઘણા દાયકાઓથી પોલીસ દળ દેશની અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને જમ્મુ અને કાશ્મીરની પ્રગતિના પૈડાને આગળ વધારવા માટે સમર્પણ સાથે કામ કરી રહ્યું છે. રિયાસી ખાતેનું સહાયક પોલીસ પ્રશિક્ષણ કેન્દ્ર એ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે આતંકવાદ અને કાયદો અને વ્યવસ્થાના પડકારોને પહોંચી વળવા નવી ભરતીમાં તાલીમ અને પોલીસિંગ મૂલ્યો અને વ્યાવસાયિક કૌશલ્યો પ્રદાન કરવા માટે સમપત છે.
લેટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે સેવા અને બલિદાન જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીએનએમાં છે, જે તેના સૈનિકો અને અધિકારીઓના બલિદાનથી જીવંત છે. પોલીસ કર્મચારીઓ હાલમાં સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઇટ્સ સામે લડીને આ પડકારનો સામનો કરી રહ્યા છે.
એલજીએ કહ્યું કે દેશની અખંડિતતા માટે સૈનિકોની વધુ જવાબદારી છે. તમામ ભરતીઓએ જાન-માલની રક્ષા કરવા અને દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આતંકવાદ સહિત કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સૈનિકોની છે. રાષ્ટ્રવિરોધી તત્વો અને અસામાજિક તત્વો સામે પણ લડવું પડશે, જેથી પરસ્પર ભાઈચારો, ધાર્મિક સંવાદિતા અને અખંડિતતા જળવાઈ રહે. આપણા સૈનિકો દરેક પ્રકારની પરિસ્થિતિમાં કામ કરવા સક્ષમ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દેશની શ્રેષ્ઠ પોલીસમાંથી એક છે. રાજ્યની જનતા કોઈ પણ ડર વિના જીવે, આ રાજ્ય પોલીસની પ્રાથમિક્તા છે.ડીજીપી આરઆર સ્વૈને પણ કાર્યક્રમમાં તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે સૈનિકોએ માત્ર સરહદી વિસ્તારની રક્ષા કરવી પડશે નહીં પરંતુ દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.