નવીદિલ્હી, પાકિસ્તાનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થઈ ગયો છે. પૂંછથી આશરે ૩૫ કિ.મી. દૂર લાઈન ઓફ કન્ટ્રોલ પર પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા કાશ્મીર (પીઓકે)ના સુદનોતીમાં એક નવો આતંકી કેમ્પ ઊભો કરાયો છે. આ કેમ્પ હિઝબુલ મુજાહિદ્દીનના આ કેમ્પ પાકિસ્તાની સેનાનો અધિકારી ગાઝી શહજાદ ચલાવી રહ્યો છે.
પાકિસ્તાનના દાવા છતાં બાગ અને મુઝફરાબાદમાં આવા આતંકી કેમ્પ બંધ થયા નથી. મુઝફરાબાદથી ૧૦ કિમી દૂર નીલમ રોડ નજીક ઘણાં સમયથી આતંકી કેમ્પ ચાલી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન સરકાર ગાઈ-વગાડીને આ બધા કેમ્પ બંધ કરાયાના દાવા કરી ચૂકી છે. પાકિસ્તાની સેના અને સરકારની રહેમ નજર હેઠળ ચાલતા આ પ્રકારના કેમ્પોમાંથી જ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિને અંજામ અપાય છે. હાલ પૂંછમાં ભારતીય સેનાના ટ્રક પર થયેલા હુમલામાં પીઓકેના આ આતંકી કેમ્પના આતંકીઓનો હાથ હોવાની શંકા છે.
પીઓકેમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર એ તોઈબા અને જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ સક્રિય છે. આ કેમ્પમાં તાલીમ લેનારા આતંકીઓ માટે લૉન્ચિંગ પેડ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ તૈયાર કરે છે. પાકિસ્તાની રેન્જરો જ આતંકીઓને રક્ષણ આપીને એલઓસી પાર કરાવે છે. બાદમાં આઈએસઆઈ જ ભારતમાં ટાર્ગેટ સ્પોટ નક્કી કરીને આતંકી ગતિવિધિ શરૂ કરાવે છે.
ગાઝી શહજાદ ભારતની કાશ્મીર ખીણમાં ભયનું વાતાવરણ ઊભું કરવા અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનો સકંજો ક્સાતો જોઈને થોડા વર્ષો પહેલા તે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. કાશ્મીરમાં ભય ફેલાવવામાં સક્રિય રહેવા બદલ તેને ગાઝીની ઉપાધિ અપાઈ હતી. કહેવાય છે કે, તે સિવિલ ડ્રેસમાં દેખાતો હોય, પરંતુ તે પાક.સેનાનો અધિકારી છે.
પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા પીઓકેમાં આશરે ૪૦ લાખની વસીતમાં ૯૫% લોકો ભારતમાં ભય ફેલાવવાના પાકિસ્તાનના કાવતરા વિરુદ્ધ છે. અહીંના લોકો માને છે કે, ભારત સાથે યુદ્ધથી તેમને કોઈ ફાયદો ની, પરંતુ પીઓકેના લોકોના અવાજને પાકિસ્તાન સરકાર અને સેના દુનિયા સામે આવવા નથી દેતી. અહીં પાકિસ્તાની સેના, ગુપ્તચર એજન્ટો અને બ્યુરોક્રેસીનો કબજો છે. ગ્લોબલ વૉચ પ્રમાણે, ગયા વર્ષે અહીં ૧૨૦૦ લોકોની ગેરકાયદે ધરપકડ કરાઈ હતી.