અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે (7 જાન્યુઆરી) મોડી સાંજે નમસ્તેના સર્કલ નજીક કોર્પોરેશનના ગાર્ડનમાં પરિણીત મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. અજાણ્યો શખસ તીક્ષણ હથિયારથી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હોવાની પોલીસને માહિતી મળી હતી. આ મામલે પોલીસે મૃતક મહિલાના પતિ પાસે અન્ય વિગતો જાણવાનો પ્રયાસો કર્યા હતા. જોકે, પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં નવો વળાંક આવ્યો, જેમાં પરિણીત મહિલાના પ્રેમીએ જ તેની હત્યા કર્યા બાદ સાબરમતી નદીમાં કુદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
30 વર્ષીય પરિણીત મહિલાની લાશ મળી શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનના વોકિંગ ટ્રેક પરથી 30 વર્ષીય પરિણીત મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. જોકે, ત્યાંથી નીકળતા કોઇ વ્યક્તિએ આ લાશ જોયા બાદ બૂમો પાડવા લાગ્યો હતો અને તરત જ પોલીસને આ અંગેની જાણ કરાઈ હતી. આ બનાવની જાણ થતા માધુપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક મહિલાને તેના ઘરની નજીક રહેતા કૌશિક મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મૃતક પ્રેમી નમસ્તેના સર્કલ નજીક કોર્પોરેશનના ગાર્ડનમાં મળવા પ્રેમિકાને પહોંચ્યો હતો. જ્યાં તેણે મહિલાને તીક્ષણ હથિયાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યાર બાદ આરોપી કૌશિક પોતાની બાઈક લઇને વાડજ ખાતે આવેલા રિવરફ્રન્ટે ગયો હતો. જ્યાં તેણે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકમાં કૌશિક મકવાણાની લાશ શોધી કાઢી હતી.
પ્રેમિકાની હત્યા કરી આપઘાત કરી લીધો ઉલ્લેખનીય છે કે, મૃતક આરોપી PSI ભરતીની તૈયારી કરતો હતો અને આગામી ભરતી પ્રક્રિયામાં સામેલ થવાનો હતો. જોકે, ગણતરીના કલાકોમાં જ PSIની ભરતી થવાની છે તે પહેલાં મૃતક આરોપી કૌશિક મકવાણાએ પ્રેમિકાની હત્યા કરી આપઘાત કરી લીધો છે.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બળ ગુજરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આરોપી પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને અમને ખબર પડી કે, તેણે હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. જે સંદર્ભે પોલીસે હવે આગળની તપાસ શરૂ કરી છે.