જેકી ભગનાનીએ અંતે પૂજા એન્ટરટેઇન્મેન્ટના બાકી ચૂકવણાના આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે અને કહ્યું કે અક્ષય કુમારે આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે દરમિયાનગીરી કરી છે. જેકી ભગનાની અને તેના પિતા વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ઘણા કલાકારો અને ક્રૂને પૈસા ન ચુકવવાના મુદ્દે અનેક આક્ષેપ પ્રતિ ક્ષેપ ચાલી રહ્યા છે અને આ મુદ્દો ઘણો ચર્ચામાં છે. હવે અંતે જેકી ભગનાનીએ મૌન તોડ્યું છે અને કહ્યું છે કે આથક સંકટમાં અક્ષય કુમાર તેની મદદ માટે આગળ આવ્યો છે.
જાહેર કરવામાં આવેલાં ઓફિશિયલ નિવેદનમાં જેકી ભગનાનીએ કહ્યું છે કે, અક્ષય કુમારે તેની ફિલ્મ ’બડે મિંયા છોટે મિંયા’ની ફી જ્યાં સુધી સમગ્ર કાસ્ટ અને ક્રૂને તેમના પૈસા ન ચૂકવાય ત્યાં સુધી હોલ્ડ પર રાખવા કહ્યું છે. જેકીએ આ નિવેદનમાં કહ્યું,’હમણાં જ આ મુદ્દે વાત કરવા અક્ષય સર મને મળ્યા હતા. આ સ્થિતિ વિશે જાણતાં જ તે ક્રૂના સપોર્ટમાં મદદ માટે આગળ આવતા જરા પણ ખચકાયા નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી અમારી ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિને તેમનું પેમેન્ટ ન મળે ત્યાં સુધી તેમની ફીને હોલ્ડ પર રાખી દેવી.’
જેકીએ ફિલ્મનાં બધાં જ પ્રોડ્યુસર્સ વતી કહ્યું,’અમે અક્ષય સરની સમજણ અને આ સ્થિતિ દરમિયાન અમારી સાથે ઊભા રહેવા બદલ દિલથી તેમના આભારી છીએ. ફિલ્મનો બિઝનેસ મજબૂત સંબંધો પર જ ટકે છે, અને અમે આ ઇન્ડસ્ટ્રીમાં એ જ જુસ્સા સાથે કામ કરવામાં માનીએ છીએ.’
ગયા અઠવાડિયે વિવિધ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ’બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મના કેટલાંક કલાકારો સોનાક્ષી સિંહા, ટાઇગર શ્રોફ, અલાયા એફ અને માનુષી છિલ્લરની ફી ચુકવવાની પણ હજુ બાકી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઈઝના પ્રમુખ બી એન તિવારીએ પણ દાવો કર્યો હતો કે વાસુ ભગનાનીએ તેમની ત્રણ ફિલ્મો ’મિશન રાનીગંજ’, ’ગણપત’ અને ’બડે મિયાં છોટે મિયાં’માં ક્રૂ મેમ્બર્સના ૬૫ લાખ રૂપિયા ચુકવવાના બાકી છે.