
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રવિવારે રિયાસીમાં વૈષ્ણો દેવી મંદિર પછી શિવખોડી ધામથી પરત ફરી રહેલા ભક્તોથી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ રસ્તા વચ્ચે જ બસ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જે બાદ બસ ખાઈમાં પડી ગઈ હતી.
આ હુમલામાં લગભગ ૧૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતો અને ૩૩થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાએ દરેકને હચમચાવી નાખ્યા છે. આ હુમલાને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓ પણ પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
રિયાસી હુમલાને લઇને પ્રિયંકા ચોપરાએ સવાલ ઉઠાવ્યો કે આવું માત્ર નાગરિકો અને બાળકો સાથે જ કેમ થઈ રહ્યું છે? ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, આઘાતજનક. નિર્દોષ ભક્તો પર આ જાનલેવા હુમલો ખૂબ જ ભયાનક છે. નાગરિકો અને બાળકો શા માટે? વિશ્ર્વભરમાં આપણે જે નફરત જોઈ રહ્યા છીએ તે સમજવું ખૂબ મુશ્કેલ છે. પ્રિયંકા ચોપરા પહેલા બિપાશા બાસુ, વરુણ ધવન, કંગના રનૌત, અનુપમ ખેર, રિતેશ દેશમુખ સહિત અનેક સેલિબ્રિટીઓએ જમ્મુ-કાશ્મીર હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.