ખાનગી ચેનલોએ રાષ્ટ્રીય મહત્વ અને જાહેર સેવાના મુદ્દાઓ પર દરરોજ કાર્યક્રમો દર્શાવવા પડશે

નવીદિલ્હી,

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ચેનલો માટે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી. આ એડવાઈઝરી મુજબ આગામી માર્ચની પહેલી તારીખથી ચેનલોએ રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમો દરરોજ અડધો કલાક પ્રસારીત કરવાના રહેશે. આ માટે સરકાર દ્વારા કુલ આઠ વિષયો આપ્યા છે. આ વિષયોમાં શિક્ષણ અને સાક્ષરતાનો ફેલાવો, કૃષિ અને ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલાઓનું કલ્યાણ, સમાજના નબળા વર્ગોનું કલ્યાણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ અને રાષ્ટ્રીય એકીકરણ સામેલ છે. આ અંગે મંત્રાલય દ્વારા જણાવવમાં આવ્યુ હતું કે તેણે વિવિધ બ્રોડકાસ્ટર્સ અને ચેનલોના સંગઠન સાથે ચાર રાઉન્ડની વાતચીત કર્યા બાદ આ એડવાઈઝરી જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા એડવાઈઝરીમાં હવેથી તમામ બ્રોડકાસ્ટર્સે મંત્રાલયના પોર્ટલ પર દર મહિને એક રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેમાં ચેનલોએ જણાવવાનું રહેશે કે કયા દિવસે અને કયા સમયે તેઓએ રાષ્ટ્રહિતનો કાર્યક્રમ બતાવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે કાર્યક્રમનો સમયગાળો ૩૦ મિનિટનો હોવો જરૂરી નથી. આ ઉપરાંત જાહેર સેવા પ્રસારણ હેઠળ, રાષ્ટ્રીય હિતના કાર્યક્રમો અઠવાડિયામાં ૧૫ કલાક પ્રસારિત કરવા અને કાર્યક્રમની સામગ્રી ૯૦ દિવસ સુધી રાખવી પડશે.