નવીદિલ્હી,કોંગ્રેસે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓમાં મૂળભૂત શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ અનામત બેઠકોમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. આરોપ હેઠળ જરૂરિયાતમંદ બાળકોની બેઠકો બહાને કેન્સલ કરવામાં આવે છે, તેના બદલામાં મોટી રકમ વસૂલીને અમીર લોકોના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. આ સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર લખીને RTE બેઠકો પર માત્ર જરૂરિયાતમંદોને જ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૯માં કેન્દ્ર સરકારે ગરીબ બાળકોને મફત અને સારું શિક્ષણ આપવા માટે RTE કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરી હતી. આરટીઇ એક્ટ હેઠળ એડમિશન લેવા ઇચ્છુક જરૂરિયાતમંદ બાળકોના એડમિશન કોઇને કોઇ બહાને રદ કરવામાં આવે છે. આ બેઠકો પર અન્ય જરૂરિયાતમંદ લોકોને પ્રવેશ આપવાને બદલે તગડી ફી વસૂલીને શ્રીમંત વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે આ બેઠકો પર માત્ર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને જ અધિકાર મળવો જોઈએ. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખવામાં આવ્યો છે.