મુંબઇ,બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના સસરા જોન સ્વિન્ડલનું નિધન થયું છે. અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી શેર કરી છે. પ્રીતિ ઝિન્ટાએ પણ તેના સસરાના મૃત્યુ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે, જેમાં તેના સસરા જોન સ્વિંડલ અભિનેત્રી સાથે જોવા મળે છે. ફોટો શેર કરવાની સાથે અભિનેત્રીએ એક ઈમોશનલ નોટ પણ લખી છે. આ ઈમોશનલ પોસ્ટ જોઈને અનુમાન લગાવી શકાય છે કે પ્રીતિ ઝિન્ટા તેના સસરાની ખૂબ જ નજીક હતી.
પ્રીતિ ઝિંટાએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘પ્રિય જ્હોન, હું તમને અને તમારી રમૂજની ભાવનાને યાદ કરીશ, મને તમારી સાથે શૂટિંગમાં જવું, તમારા માટે ભારતીય ભોજન બનાવવું અને તમારી સાથે ચેટ કરવાનું ગમ્યું. હું ખૂબ જ મિસ કરીશ. પ્રીતિએ આ પોસ્ટમાં આગળ લખ્યું કે મને અને મારા પરિવારને ખૂબ પ્રેમ કરવા બદલ આભાર.
પ્રીતિ ઝિન્ટાએ લાંબા સમયથી ફિલ્મોથી દૂરી બનાવી રાખી છે, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં દેખાતી રહે છે. પ્રીતિ હાલમાં જ સલમાન ખાનની બહેન અર્પિતાની ઈદ પાર્ટીમાં જોવા મળી હતી. અભિનેત્રી ‘ચુપકે ચુપકે’, ‘વીર જરા’ અને ‘કલ હો ના હો’ સહિત અનેક હિટ ફિલ્મોમાં જોવા મળી છે. પ્રીતિ ઝિન્ટાએ સલમાન ખાન અને શાહરૂખ ખાન સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.
અભિનેત્રી, નિર્માતા, લેખક અને ક્રિકેટ ટીમની માલિક, પ્રીતિ ઝિન્ટાએ વર્ષ ૨૦૧૬માં લોસ એન્જલસના જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, અભિનેત્રીએ લોસ એન્જલસમાં રહેવાનું શરૂ કર્યું, જો કે તે ભારત પણ આવતી રહે છે. પ્રીતિ ઝિન્ટા વર્ષ ૨૦૨૧માં સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની હતી. પ્રીતિ ઝિન્ટાએ મણિરત્નમની દિલ સે (૧૯૮૮) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ ૨૦૦૮માં કેનેડિયન ફિલ્મ ‘હેવન ઓન અર્થ’માં અભિનય કર્યા બાદ ફિલ્મોમાંથી બે વર્ષનો બ્રેક લીધો હતો અને ૨૦૧૩માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘ઇશ્ક ઇન પેરિસ’ સાથે પરત ફર્યા હતા.