
સુરત,સુરત એસઓજી ફૂલ એક્શનમાં આવી છે. તબીબની પ્રિસ્ક્રીપશન વિના નશાકારક દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરના સંચાલકની શહેર એસઓજીએ ધરપકડ કરી છે. એસઓજીએ ડમી ગ્રાહક મોકલી સ્ટોર સંચાલકને નશાકારક દવાનું વેચાણ કરતા વેપારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાંથી ૨૧ જેટલી નશાકારક કોડિફ્રી-ટી સીરપની ૨૧ બોટલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરતના વેસુ વિસ્તાર સ્થિત ઓરચીડ કોમ્પ્લેકક્ષમાં સાંઈ રુદ્રા મેડિકલ સ્ટોરના સંચાલક મિતુલ ભાસ્કર પવાર તબીબના કોઈ પણ પ્રિસ્ક્રીપ્શન વિના જ નશાકારક ટેબ્લેટ અને સીરપનું વેચાણ કરતો હોવાની માહિતી સુરત શહેર એસઓજીને મળી હતી.માહિતીના આધારે શહેર એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી મેડિકલ સ્ટોર પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના નિયમો અનુસાર તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોરના સંચાલક નશાકારક દવાનું વેચાણ કરી શકે નહીં. પરંતુ મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા નિયમોને નેવે મૂકી તબીબના પ્રિસ્ક્રીપશન વિના જ નશાકારક દવાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે તબીબના પ્રિસ્ક્રીપશન વિના દવા લેવી આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.એટલા જ માટે તબીબો પણ પ્રિસ્ક્રીપશન વિના દવા લેવાનું મનાઈ ફરમાવતા હોય છે.