રાષ્ટ્રપતિ રાયસીના નિધન બાદ મુહમ્મદ મુખ્બર ઈરાનની કમાન સંભાળશે

તહેરાન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તેમની બચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. ઈરાનના સરકારી ટેલિવિઝન અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો બચી જાય તેવી અપેક્ષા નથી. જો કે હેલિકોપ્ટર ક્રેશ સ્થળ પરથી મળી આવ્યું છે, પરંતુ સ્થળ પરથી કોઈ મૃતદેહ મળ્યો નથી. દરમિયાન, દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ દેશવાસીઓને શાંતિ માટે વિનંતી કરી છે. સાથે જ ખાતરી આપી હતી કે દેશના શાસનમાં કોઈ વિક્ષેપ નહીં આવે. ઈબ્રાહિમ રાયસીના દુ:ખદ અવસાનના સમાચાર બાદ ઉપરાષ્ટ્રપતિ મુહમ્મદ મુખ્બર સુપ્રીમ લીડરની મંજૂરી ન મળે ત્યાં સુધી કાર્યવાહક પ્રમુખની ભૂમિકા નિભાવશે.

ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી રવિવારે સાંજે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યા બાદ લાપતા છે. વિશ્ર્વભરની તમામ તપાસ એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળે સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. બીજી તરફ આ સમાચાર બાદ સમગ્ર વિશ્ર્વમાં રાજકીય હલચલ મચી ગઈ છે. ઘણા વૈશ્ર્વિક નેતાઓ ઇબ્રાહિમ રાયસી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં મદદ પૂરી પાડવાની ખાતરી પણ આપી રહ્યા છે.

દરમિયાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના આ સમાચારે ઈરાનમાં પણ વાતાવરણ ગરમ કર્યું છે. દર મિનિટે રાજકીય ઉથલપાથલના સમાચાર આવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈબ્રાહિમ રાયસીના દુ:ખદ અવસાન બાદ કાર્યકારી રાષ્ટ્રપતિના નામની પસંદગી કરવામાં આવી છે.અહેવાલ છે કે, હાલમાં ઉપરાષ્ટ્રપતિ મુહમ્મદ મુખ્બર સુપ્રીમ લીડરની મંજૂરી સુધી કાર્યકારી પ્રમુખની ભૂમિકા નિભાવશે. આ સાથે આગામી ૫૦ દિવસમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. કારણ કે બંધારણ ૫૦ દિવસની અંદર નવા રાષ્ટ્રપતિનો આદેશ આપે છે.