લેબનનમાં ઇઝરાયલના હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઇઝરાયલની સેનાએ શનિવારે રાત્રે બેરૂત એરપોર્ટ નજીક એરસ્ટ્રાઈક કરી હતી. કેટલાક હુમલા એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર પર થયા હતા.
એક તરફ ઈઝરાયલી સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ સતત હુમલા કરી રહી છે. બીજી તરફ ગાઝામાં પણ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાની એક મસ્જિદ પર રવિવારે (છઠ્ઠી ઓક્ટોબર) વહેલી સવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પેલેસ્ટાઈનની હોસ્પિટલે આ અંગે મહિતી આપી છે. હવે ઇઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલએનર્જીસ ગેસ સ્ટેશન પર હુમલો કર્યો છે.
લેબનનમાં ઇઝરાયલના ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે રવિવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને શરમ આવવી જોઈએ. ઇઝરાયલ તેમના સમર્થન સાથે અથવા તેમના વિના પણ જીતશે.
નેતન્યાહુએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે ઇઝરાયલ હિઝબુલ્લાહ જેવાં દળો સામે લડી રહ્યું છે જે આતંકવાદ ફેલાવે છે. તમામ સભ્ય દેશોએ ઇઝરાયલના સમર્થનમાં મક્કમતાથી ઊભા રહેવું જોઈએ. તેમ છતાં રાષ્ટ્રપતિ મેક્રોન અને અન્ય પશ્ચિમી નેતાઓ ઇઝરાયલને હથિયારોના પુરવઠાને રોકવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓએ શરમ અનુભવવી જોઈએ.
આ નિવેદન બાદ મેક્રોનના કાર્યાલયે કહ્યું કે ફ્રાન્સ ઇઝરાયલનું મિત્ર છે. તે ઇઝરાયલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઇઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશાં ઈઝરાયલ સાથે જ ઊભું રહેશે.
ખરેખરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બાદમાં આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
નેતન્યાહૂ-મેક્રોન વચ્ચે શાબ્દિક યુદ્ધ ઇઝરાયલ લેબનન પર એક પછી એક હુમલો કરી રહ્યું છે. ત્યારે હવે ઇઝરાયલે લેબનનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલએનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઇઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ઇઝરાયલ PM બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, ઇઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, કોઈ જાનહાનિની માહિતી બહાર આવી નથી.