
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારની છેલ્લા ૧૦ વર્ષમાં જે સિદ્ધિઓ તેમણે ગણાવી છે, તે ઘણી ઓછી અને હવાદાર છે. જમીન પર વાસ્તવિક્તા વધુ છે.
બીએસપીના વડાએ તેમની પોસ્ટની શ્રેણીમાં કહ્યું, કેન્દ્ર સરકાર દેશમાં વધતી ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને નબળા વર્ગોની સમસ્યાઓને લઈને બિલકુલ ગંભીર નથી. તેના આગામી પાંચ વર્ષ માટેના રોડમેપમાં પણ બહુ સાર્થક નથી.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા કરતી વખતે સાંસદોએ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવાને બદલે જનહિતની મહત્વની બાબતો તરફ સરકારનું યાન દોરવું જોઈએ તે સારું રહેશે.
ગુરુવારે ૧૮મી લોક્સભામાં પ્રથમ વખત બંને ગૃહોની સંયુક્ત બેઠકને પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, છેલ્લા દસ વર્ષમાં સરેરાશ વૃદ્ધિદર આઠ ટકાનો દર, જ્યારે આ સામાન્ય સમયગાળો નથી.તેમણે કહ્યું, “આ વૃદ્ધિ દર વૈશ્ર્વિક રોગચાળા અને વિશ્ર્વના વિવિધ ભાગોમાં સંઘર્ષ વચ્ચે હાંસલ કરવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષમાં થયેલા સુધારાનું આ પરિણામ છે. વૈશ્ર્વિક વૃદ્ધિમાં એકલા ભારતે ૧૫ ટકા યોગદાન આપ્યું છે. મારી સરકાર ભારતને વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે કામ કરી રહી છે.