રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતાની સાથે જ પુતિને ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી

મોસ્કો, રશિયામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને મોટી જીત હાંસલ કરી છે, જે બાદ પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ર્ચિત છે. સોમવારે પરિણામોની જાહેરાત બાદ પુતિને પોતાના પહેલા સંબોધનમાં પશ્ર્ચિમી દેશોને ધમકી આપી હતી અને ત્રીજા વિશ્ર્વ યુદ્ધની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો રશિયા અને અમેરિકાના નેતૃત્વમાં નાટો ગઠબંધન વચ્ચે સંઘર્ષ થાય છે તો તેનો અર્થ એ છે કે વિશ્ર્વ ત્રીજા વિશ્ર્વ યુદ્ધથી માત્ર એક ડગલું દૂર હશે અને ભાગ્યે જ કોઈ આવી સ્થિતિ જોવા માંગે છે.

રશિયા અને પશ્ર્ચિમી દેશો વચ્ચેના સંબંધો ૧૯૬૨ના ક્યુબન મિસાઈલ કટોકટી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભવિષ્યમાં યુક્રેનમાં તેમના સૈનિકો ઉતરાણ કરવાની સંભાવનાને નકારી ન હતી. જ્યારે પુતિનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ’આજના આધુનિક યુગમાં કંઈપણ શક્ય છે, પરંતુ જો આમ થશે તો ત્રીજું વિશ્ર્વ યુદ્ધ દૂર નથી.’ પુતિને એમ પણ કહ્યું કે ’બાય ધ વે, નાટો સૈનિકો હજુ પણ યુક્રેનમાં હાજર છે. રશિયાને ખબર પડી છે કે અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતા સૈનિકો પણ યુદ્ધના મેદાનમાં હાજર છે. આ સારી બાબત નથી, ખાસ કરીને તેમના માટે કારણ કે તેઓ અહીં મોટી સંખ્યામાં મરી રહ્યા છે.

પુતિને ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. યુક્રેન યુદ્ધ પર પુતિને કહ્યું કે ફ્રાન્સ વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે હજી બધું સમાપ્ત થયું નથી. પુતિને કહ્યું, ’મેં પહેલા પણ કહ્યું છે અને હવે પણ કહું છું કે અમે વાતચીત માટે તૈયાર છીએ અને આ મંત્રણા માત્ર એટલા માટે નહીં થાય કારણ કે દુશ્મનો પાસે દારૂગોળો ખતમ થઈ ગયો છે. જો તેઓ ખરેખર ગંભીર હોય અને શાંતિ ઈચ્છતા હોય તો તેમણે પડોશી દેશોની જેમ સારા સંબંધો જાળવી રાખવા પડશે.

અમેરિકા અને પશ્ર્ચિમી દેશોએ જ્યારે રશિયાની ચૂંટણીની ટીકા કરી ત્યારે ખુદ પુતિને અમેરિકાની લોકશાહીની મજાક ઉડાવી અને કહ્યું કે ’આખી દુનિયા તેમના (અમેરિકા) પર હસી રહી છે, ત્યાં શું થઈ રહ્યું છે.’ પુતિને સમગ્ર રાજ્ય તંત્ર પર ટ્રમ્પ વિરુદ્ધ તૈનાત હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પુતિનના વિરોધી ગણાતા એલેક્સી નેવલનીના મૃત્યુ પર પુતિને પ્રથમ વખત તેમના નામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ હવે મૃત્યુ પામ્યા છે અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. નવલ્નીનું તાજેતરમાં જ રશિયન જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. નવલ્ની પુતિનના વિરોધી માનવામાં આવતા હતા. પુતિન પર નવલ્નીના મૃત્યુનો આરોપ હતો.