
પાકિસ્તાનમાં આર્થિક સંકટ મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. સમગ્ર દેશ મોંઘવારીથી ત્રસ્ત છે. સ્થિતિ એવી છે કે રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી અને તેના બધા મંત્રીઓએ પોતાનો પગાર છોડવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સામે સૌથી મોટુ સંકટ અર્થવ્યવસ્થાને પાયા પર લાવવાનું છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને તેમના મંત્રીમંડળે બુધવારે સર્વસંમત્તિથી દેશની ખરાબ આથક સ્થિતિને કારણે પોતાના વેતન અને સંબંધિત લાભોને ન લેવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જારી અખબારી યાદી અનુસાર બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવવાના ઉદ્દેશ્યથી સરકારની કઠોર નીતિઓ હેઠળ મંત્રીમંડળની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રીમંડળે પ્રથમ સરકાર દ્વારા ભંડોળની વિદેશી યાત્રાઓને પ્રતિબંધિત કરવાના ઉપાય રજૂ કર્યાં છે, જેમાં સરકારના મંત્રીઓ, સાંસદો અને સરકારી અધિકારીઓને કોઈ મંજૂરી વગર સરકારી નિધિનો ઉપયોગ કરી વિદેશ યાત્રા પર ન જવાનો આદેશ કરવામાં આવ્યો છે. પાછલા સપ્તાહે રાષ્ટ્રપતિએ પણ આ કારણનો હવાલો આપતા પગાર ન લેવાનો નિર્ણય કર્યો હતો.
આશા છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી લોન મળ્યા બાદ પાકિસ્તાનની સ્થિતિમાં સુધાર થઈ શકે છે. આઈએમએફે રોકડ સંકટથી સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનની સાથે ત્રણ અબજ ડોલરના રાહત પેકેજની અંતિમ સમીક્ષા પર કર્મચારી-સ્તરીય સમજુતી પર પહોંચી ગયું છે. આ પેકેજના અંતિમ હપ્તા તરીકે ૧.૧ અબજ ડોલરની રકમ રિલીઝ કરવાનો માર્ગ મોકળો બની ગયો છે.