પ્રેમ લગ્નનો કરૂણ અંજામ! ભાવનગરમાં પતિએ નિર્દયતાથી પત્નીની હત્યા કરી

ભાવનગરના તળાજામા માંડવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા પતિ-પત્નીના સંબંધ લજવાયા છે. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તળાજા પોલીસે આરોપી પતિની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગરમાં તળાજા તાલુકાના માંડવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પતિના હાથે જ પત્નીની હત્યા થતાં ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. માહિતી મુજબ આઠ વર્ષ અગાઉ મૃતક અસ્મિતાબેને શીવાભાઈ જોડે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી છે તેનું કારણ જાણવા મળેલ નથી. પોલીસ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ મુજબ આરોપી પતિએ મહિલાને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટનાની જાણ થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાજા પોલીસને હત્યા અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ દોડી ગયો છે. આવો જ અન્ય કિસ્સો થોડા વર્ષો અગાઉ સામે આવ્યો હતો. પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા રાયસિંહ નાયક એકદમ આવેશમાં આવી ગયો હતો. ત્યાર બાદ ઘરમાં પડેલી કુહાડીથી તેની પત્નીના માથાના પાછળના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પ્રેમ લગ્નનો વધુ કરૂણ કિસ્સો સુરતમાં જોવા મળ્યો હતો. સુરતમાં હોટલમાંથી મહિલા એડવોકેટની લાશ મળી આવી હતી. પતિ-પત્નીનું અડાજણમાં ઘર છતાં હોટલમાં ગયા હતા. પતિ રોહિત કાટકરે હત્યા કરી હોવાની આશંકા હતી. એટલું જ નહીં પતિ રોહિત કાટકરે પત્ની નિશી ચૌધરીની હત્યા કર્યા બાદ ૧૦ કલાક લાશ પાસે જ રૂમમાં બેસી રહ્યો હતો. પાલ સ્થિત ધ બુલ ગ્રુપ હોટેલમાં આ ઘટના બની હતી.