રાજકોટ શહેરમાં પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં પત્નીના પ્રેમી દ્વારા પતિની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. શહેરા આજીડેમ સર્કલ પાસે રહેતા યુવકની સોમવારે રાત્રે લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા પત્નીના આડાસંબંધના કારણે યુવકની હત્યા નિપજાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ જેતપુરના પેઢલા ગામના વતની અને હાલ આજીડેમ સર્કલ પાસે રહેતાં મુકેશ ગુજરાતીની તેની પત્નીના પ્રેમીએ જ પત્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, થોરાળા પોલીસ તેમજ LCB ઝોન 1 ટિમો ઘટના સ્થળે દોડી જઈ ગણતરીની કલાકોમાં આરોપી પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 40 દિવસમાં આ સાતમો હત્યાનો બનાવ નોંધાયો હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે 80 ફુટ રોડ પર ત્રિશુલ કારખાનાની સામે પીટીસીની દિવાલ પાસે એક લાશ મળી આવી હતી જેના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી બનાવ હત્યાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું જે બાદ તપાસ કરતા આ લાશ મુકેશ અરજણભાઈ ગુજરાતી (ઉ.વ.42)ની હોવાનું સામે આવ્યું હતું જે મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનો વતની હોવાનું અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસે ફૂટપાથ પર રહેતો હોવાનું સામે આવ હતું. મૃતકને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હોવાનું જણાઈ આવતા પોલીસની અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન બનાવ બાદ એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાન પત્ની અને બે બાળકો સાથે રહેતો હોવાનું તેમજ કેટલાક સમયથી કંઈ કામ કરતો ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન મૃતકની પત્નીને સાગર મકવાણા નામના યુવાન સાથે આડાસબંધ હોવાનું સામે આવ્યું હતું. ગઇકાલે પણ આ બાબતે બોલાચાલી અને ઝઘડો પણ થયો હતો ત્યારબાદ પત્ની કોઈ જગ્યાએ ચાલી જતા મૃતક યુવાન અને આરોપી સાગર બંને રિક્ષામાં તેને શોધવા માટે પણ ગયા હતા ત્યારે બોલાચાલી થતા આરોપી સાગર મકવાણા દ્વારા મુકેશ ગુજરાતી ઉપર પત્થર વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ મદદથી તપાસ શરૂ કરી આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી સાગર મકવાણા મળી આવતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેની સાથે હત્યામાં તેનો મિત્ર સંજય સોલંકી પણ સામેલ હોવાનું સામે આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી સાગર મકવાણા વિરુધ્ધ અગાઉ રાજકોટમાં દુષ્કર્મ અને મોરબીમાં બે મળી કુલ 3 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જયારે મૃતક મુકેશ ગુજરાતી વિરુધ્ધ પણ અગાઉ હત્યા અને ચોરી સહીતના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.