
જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં એક ચકચારીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતા સાથેના પ્રેમસંબંધની શંકામાં યુવકે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી છે. ત્રણ મિત્રએ મળી યુવકને માથામાં કડું મારી જમીન પર ઢાળી દીધો, જે બાદ તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પુરાવાનો નાશ કરવા ત્રણેયે મળી યુવકના મૃતદેહને પોટલામાં ભરી નહેરમાં ફેંકી દીધો હતો.
કિશન યુવતી સાથે પ્રેમસંબંધ બનાવવા ઈચ્છતો હતો સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મજબ, આરોપી કિશન ઉર્ફે કિરણ પ્રભાતભાઈ નાયક છેલ્લા બે મહિનાથી ડુમા ગામમાં તેના સંબંધીના ઘરે રહેતો હતો. જ્યાં તે સ્થાનિક ડીજે ઓપરેટર સુભાષને ત્યાં મજૂરી કરતો હતો, જે દરમિયાન તેની મુલાકાત મૃતક સુરેશ બારીયા સાથે થઈ હતી.
ગામની એક પરિણીત યુવતી કે, જે ઓગસ્ટ 2024માં અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. જે બાદ પછીથી તેના માતા-પિતા યુવતીને પરત લાવ્યા હતા. આ યુવતી સાથે કિશન પ્રેમસંબંધ બનાવવા ઈચ્છતો હતો, પરંતુ યુવતીએ તેનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. જેથી કિશનને શંકા હતી કે, યુવતીને સુરેશ બારીયા સાથે પ્રેમસંબંધ છે. આ શંકાના આધારે તેણે સુરેશની હત્યા કરી અને લાશને નર્મદા નહેરમાં ફેંકી દીધી હતી.
Dy.SP વિક્રમસિંહ રાઠોડે જણાવ્યા મુજબ, પોલીસને હાલોલના રામેશરા વિસ્તારમાંથી 16 ફેબ્રુઆરીએ સુરેશનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલોલ ગ્રામ્ય પોલીસે આ કેસમાં ત્રણ યુવકની ધરપકડ કરી છે. આ કેસમાં સ્થાનિક દારૂ વેચનાર આનંદ વરસનભાઈ નાયક અને તેનો કર્મચારી ગણપત ઉર્ફે વેચાણ જયંતીભાઈ તડવીની પણ સંડોવણી સામે આવી છે.
Dy.SP વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગત 13મી ફેબ્રુઆરીએ આરોપી કિશન નાયકે મૃતક સુરેશ બારીઆને દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો. જ્યાં તક મળતાં જ કિશન નાયકે નજીકના એક બંધ મકાનમાં સુરેશના માથાના ભાગે કડું મારી તેને ઇજાઓ પહોંચાડી જમીન ઉપર ઢાળી દીધો હતો. જે બાદ સુરેશનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. જેમાં ગણપત તડવીએ પણ તેની મદદ કરી હતી.
લાશને સગેવગે કરવા નર્મદા નહેરમાં ફેંકી હત્યા બાદ બંનેએ ગામના બુટલેગર આનંદ નાયકને ત્યાં ગયા હતા. જ્યાં લાશને સગેવગે કરવા કરવા બુટલેગર આનંદ નાયકની મદદ લીધી હતી. જે માટે તેમણે લાશને પ્લાસ્ટિકની બેગમાં પુરી મોટરસાયકલ ઉપર પોટલું બાંધી નર્મદા નહેરમાં ફેંકી દીધી હતી, જેની તેઓએ પોલીસ તપાસ દરમિયાન કબૂલાત કરી હતી. જેથી પોલીસે હત્યા અંગે ખૂટતી કડીઓ મેળવવા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરી છે.