કર્ણાટકના બેલગાવી જિલ્લામાં એક મહિલા પર હુમલો કરીને તેને નગ્ન કરીને ફેરવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પીડિતાને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધવાની ફરિયાદ પણ મળી છે. અધિકારીએ જણાવ્યું કે મહિલાનો પુત્ર એક છોકરીને ભગાવી ગયા બાદ આ ઘટના બની હતી. રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે યુવતીની સગાઈ અન્ય કોઈ સાથે થવા જઈ રહી હતી.છોકરીની હરક્તો વિશે જાણ થતાં તેના પરિવારના સભ્યોએ નવા વંતમુરી ગામમાં છોકરાના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી.
છોકરીના પરિવારે છોકરાની માતાને ઘરમાંથી બહાર કાઢી ખેંચીને, તેને નગ્ન કરી અને પછી તેને વીજ થાંભલા સાથે બાંધી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને મુક્ત કરાવી હતી. આ ઘટનાના સંબંધમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. બેલાગવી જિલ્લા પોલીસ વડા સિદ્ધારમપ્પાએ જણાવ્યું હતું કે ૨૪ વર્ષીય અશોક અને ૧૮ વર્ષીય પ્રિયંકા બંને એક જ સમુદાય અને એક જ ગામના છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંને સોમવારે રાત્રે લગભગ ૧૨:૩૦ વાગે ગામમાંથી ભાગી ગયા હતા.
આનાથી ગુસ્સે થઈને છોકરીના માતા-પિતા અને સંબંધીઓ છોકરાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની માતા સાથે અમાનવીય વર્તન કર્યું હતું. સવારે ૪ વાગે માહિતી મળતાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે ગામની મુલાકાત લીધી, ત્યારબાદ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા. ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાકટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના પર ટિપ્પણી કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે જે લોકોએ ગુનો કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.