
ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈ ભાઈના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીએ આણાના દિવસે અમદાવાદથી તેડવા માટે આવેલા પોતાના જ પતિનું રસ્તામાંથી જ અપહરણ કરાવ્યું હતું. બાદમાં પ્રેમીએ બે મળતિયા સાથે મળી યુવકને કારમાં ગળેટૂંપો આપી લાશને કરાઈ કેનાલમાં ફેંકી દીધી હતી. લગ્નમાં ત્રીજા દિવસે મામાનાં દીકરા સાથેના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીએ પોતાના પતિનું અપહરણ – હત્યા કરાવવાના પ્રકરણમાં પોલીસે પત્ની સહિતના ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 20 મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા. ત્યારે અડાલજ પોલીસે આરોપીઓને સાથે રાખી અપહરણ – હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો એ જાણવા સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. બીજી તરફ પરિવારજનોએ હાથમાં બેનરો સાથે અમદાવાદમાં મૃતકની અંતિમ યાત્રા કાઢી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
આજે અડાલજ પોલીસે અપહરણ અને હત્યા પ્રકરણમાં પાયલના પ્રેમી કલ્પેશ ચુનારાને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં કલ્પેશે કબુલાત કરી હતી કે, શૈલેષ અને સુનીલ સાથે મધર ડેરી તરફથી ગાડીમાં આવ્યાં હતા. બાદમાં ગામમાં ગયા હતા અને પાછા વળતી વખતે સામેના રોડ પર પાયલનો પતિ ભાવિક એક્ટિવા લઈને મળ્યો હતો. (જેથી ભાવિક અગાઉથી ઓળખતો હોવાથી સ્વાભાવિક રીતે થોડીક આગળ જઈને ઉભો રહી ગયો હતો) બાદમાં અમે ગાડી વાળીને આ તરફના રોડ ઉપર આવ્યાં હતા અને ગાડીના બમ્પરથી ડાબી બાજુ એક્ટિવાને સહેજ ટક્કર મારી હતી. જેથી ભાવિક નીચે પડી ગયો હતો.

અકસ્માત સર્જી ભાવિકને બાદમાં દવાખાને લઈ જવાનું કહી ગાડીમાં બેસાડયો હતો. જે બાદ કલ્પેશ અને શૈલેષે મફલરથી ગળું દબાવ્યું હતું અને સુનિલે હાથ પકડી રાખ્યા હતા. બાદમાં કલ્પેશ ગાડી ચલાવવા આગળ ગયો હતો. પાછળ સીટમાં બંને જણે ભાવિકને પકડી રાખ્યો હતો અને ભાટ ટોલ ટેક્ષ થઈ ચીલોડા ચોકડી તરફ જઈ કેનાલ તરફ ગયા હતા અને ત્યાં ગાડીનો દરવાજો ખોલીને ભાવિકને કેનાલમાં ફેંકી દીધો હતો.
બીજી તરફ આજે અમદાવાદમાં ભાવિકની અંતિમ યાત્રા પરિવારે કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો અને મૃતકના મિત્રો પણ જોડાયા હતા. પરિવારજનો અંતિમ યાત્રામાં પ્રેમાંધ પાયલ અને તેના પ્રેમી સહિતના ફોટા સાથેના બેનરો લઈને નીકળ્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
અમદાવાદમાં રહેતા કનૈયાલાલ ચુનારાનાં પુત્ર ભાવિકના લગ્ન કોટેશ્વરમાં રહેતા સુરેશભાઇ પુંજાભાઇ દંતાણીની 24 દિકરી પાયલ સાથે 10 મી ડિસેમ્બરે સામાજીક રીતરીવાજ મુજબ કરાયા હતાં. બાદમાં તારીખ 11મીએ પાયલના પિયરયાં તેને તેડી ગયા હતાં. સામાજિક રિવાજ આણાંનાં દિવસે એટલે કે 13મી ડિસેમ્બરે ભાવિક પાયલને તેડવા માટે એક્ટિવા લઈને કોટેશ્વર આવવા નિકળ્યો હતો. બાદમાં બપોરના સમયે વેવાઈ સુરેશભાઈએ કનૈયાલાલને ફોન કરીને જમાઈ ભાવિક હજી સુધી નહીં આવ્યાંની જાણ કરી હતી.
આ દરમિયાન ભાવિકનું એક્ટિવા કોટેશ્વર મહાદેવ મંદિર પાસેથી મળી આવ્યું હતું. આથી કનૈયાલાલ સહિતના સગા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં કોઈ આગંતુક થકી જાણવા મળેલ કે, એક્ટિવા – કારનો અકસ્માત થયો હતો અને કારમાં સવાર ત્રણ શખ્સો ભાવિકને સારવારના બહાને ઉઠાવી ગયા છે. જેની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો નહીં લાગતા કનૈયાલાલ સહીતના વેવાઈનાં ઘરે ગયા હતા અને શંકાનાં આધારે પુત્રવધૂ પાયલની પૂછતાંછ કરી હતી.
પાયલે કુબડથાલ ગામે રહેતા મામાનાં દીકરા કલ્પેશ મોહનભાઇ ચુનારા સાથે ચાર વર્ષથી પ્રેમમાં હોવાની કબૂલાત કરી હતી. પાયલ પ્રેમી સાથે રહેવા માંગતી હતી અને ભાવિક ગમતો નહીં હોવાથી તેનું કાસળ કાઢવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જે મુજબ ભાવિક આણાંનાં દિવસે પાયલને તેડવા ગયો હતો. જેનું લોકેશન પાયલે આપતા કલ્પેશ ચુનારા તેના બે પિતરાઈ ભાઈઓ શૈલેષ કનુભાઇ ચુનારા અને સુનિલ રાજુભાઇ ચુનારાને સાથે ઈનોવા ગાડી લઈને ગાંધીનગર આવ્યો હતો. બાદમાં રસ્તામાં બાઈક સાથે અકસ્માતનો કારસો રચી ભાવિકનું અપહરણ કરી લીધું હતું. બાદમાં ભાવિકને ગળેટૂંપો દઈ કેનાલમાં ફેંકી દીધો હતો. જેની લાશ ગઈકાલે અંબાપુર કેનાલમાંથી મળી આવતાં પોલીસે પાયલ અને તેના પ્રેમી સહિત ચાર વિરુદ્ધ હત્યાનો પણ ગુનો દાખલ કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે સમગ્ર હત્યાનું કાવતરું રચનાર પાયલ સહિતના ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 20 મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા. આજે અડાલજ પોલીસે આરોપીઓને સાથે રાખી અપહરણનાં ઘટનાસ્થળથી માંડી કરાઈ કેનાલમાં ભાવિકને ફેંકી દેવા સુધીના સમગ્ર ઘટનાક્રમનું રી કન્સ્ટ્રક્શન કર્યું છે. ગુનામાં ઉપયોગમાં લીધેલી કાર સહિતના મહત્વના પુરાવા પણ કબજે લેવામાં આવ્યાં છે.