પ્રેમિકાએ જ પ્રેમીની ધોકાના ઘા મારીને હત્યા કરી, મૃતક વારંવાર પ્રેમિકા પાસે કરતો હતો શારીરિક સંબંધની માગ

અમદાવાદમાં પ્રેમીનાં અત્યાચારથી કંટાળીને પ્રેમિકાએ જ પ્રેમીની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમી દ્વારા શારીરિક સંબંધ માટે દબાણ કરાતાં પ્રેમિકાએ તેની હત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ મૃતક મહિલાને ઘણા સમયથી માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ હત્યાને અંજામ આપ્યો.

મહિલા સબાના ખાતુન રફીક શાએ પોતાના પ્રેમી હૈદર શાની ઘાતકી હત્યા કરી છે. પ્રેમી હૈદરના શારીરિક શોષણથી કંટાળીને હત્યાને અંજામ આપ્યો છે. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં એવનનગરમાં વહેલી સવારે મૃતક હૈદર શા આરોપી સબાનાં ખાતુંના ઘરે પહોચ્યો હતો અને શારીરિક સબંધ માટે દબાણ કરી રહ્યો હતો. એ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતા મહિલાએ ઘરમાં રાખેલા ધોકાથી હૈદરના માથા પર ફટકા માર્યા હતા. સાથે જ ડીસમિસથી હુમલો કરી તેની હત્યા કરી હતી.

બે સંતાનની માતાએ પ્રેમીની વિકૃત માનસિક્તાથી કંટાળી હત્યા કરતાં સનસનાટી મચી ગઇ છે. દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સબાના ખાતુંન અને હૈદર શા વચ્ચે દોઢ વર્ષથી અનૈતિક સબંધ હતા. મૃતક હૈદર શા આરોપી મહિલાનો સંબંધમાં નણદોઈ થતો હતો. આરોપી મહિલા સબાના ખાતુંન મૂળ યુપીનાં ગોરખપુરની રહેવાસી છે. તેના પ્રથમ લગ્ન મૃતકના સાળા સાથે થયા હતા. દોઢ વર્ષ પહેલાં મૃતક હૈદરની પત્ની બીમાર થતાં આરોપી મહિલાને યુપીથી અમદાવાદ સાર સંભાળ માટે લાવ્યો હતો. આ દરમિયાન હૈદર અને સબાના ખાતુંન વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા.

ઘટનાની જાણ સબાનાના પ્રથમ પતિને થતા છૂટાછેડા આપી દીધા હતા. જેથી હૈદરે પ્રેમિકાને સાચવવા માટે અમદાવાદમાં બીજું ઘર રાખ્યું હતું, પરંતુ આરોપી સબાનાએ હૈદરને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. પરણિત હોવાના કારણે મૃતકે લગ્ન ન કર્યા, પરંતુ પ્રેમિકાના બિલાલ નામના અન્ય યુવક સાથે ૧૦ મહિના પહેલા લગ્ન કરાવી દીધા હતા, ત્યાર બાદ થી મૃતક પોતાની પ્રેમિકા સાથે શારીરિક સંબંધ રાખવા બળજબરી અવારનવાર કરતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ પ્રેમીની હત્યા કરી દીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.