પેમા ખાંડુએ અરુણાચલના સીએમ તરીકે શપથ લીધા,૨૦૧૬ થી સતત મુખ્યમંત્રી રહ્યા છે

  • તેમની પાર્ટીએ ૬૦ સભ્યોની વિધાનસભામાં ૪૬ બેઠકો જીતીને બહુમતી મેળવી.

પેમા ખાંડુ સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે આજે સવારે રાજભવન ખાતે સીએમ પદના શપથ લીધા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઇટાનગર પહોંચ્યા હતાં. ખાંડુને બુધવારે અહીં એક બેઠકમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગે ભાગ લીધો હતો.

૬૦ સભ્યોની વિધાનસભામાં શાસક ભાજપે ૪૬ બેઠકો જીતી હતી, જ્યારે પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલને બે બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે એક બેઠક અને અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. ભાજપે અરુણાચલ પ્રદેશની બંને લોક્સભા બેઠકો જીતી લીધી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે અહીં ૧૯ એપ્રિલે લોક્સભાની ચૂંટણી પણ યોજાઈ હતી.

પેમા ખાંડુ, રમતગમત અને સંગીતના શોખીન, છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે, ખાસ કરીને ૨૦૧૬ માં બંધારણીય કટોકટી પછી જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ખાંડુ કુશળ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પોતાની છબી બનાવવામાં પણ સફળ રહ્યા છે. તેમની વ્યૂહરચનાથી, તેમણે આ પૂર્વોત્તર રાજ્યમાં કમળ (ભાજપનું ચૂંટણી પ્રતીક) ફરી જીવંત કર્યું છે. બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરી અને રવિવારે ૬૦ સભ્યોની વિધાનસભામાં ૪૬ બેઠકો જીતીને બહુમતી મેળવી.

ખાંડુની રાજકીય સફર એક અંગત દુર્ઘટના વચ્ચે શરૂ થઈ હતી. તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું ૨૦૧૧માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. પેમા ખાંડુ વર્ષ ૨૦૦૦માં કોંગ્રેસમાં જોડાયા હતા અને વિવિધ હોદ્દા પર રહ્યા હતા. તેઓ તેમના પિતાના મતવિસ્તાર મુક્તોમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂન ૨૦૧૧ની વિધાનસભા પેટાચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. પેમા ખાંડુ મુખ્યમંત્રી નબામ તુકીની સરકારમાં જળ સંસાધન વિકાસ અને પર્યટન મંત્રી બન્યા. જાન્યુઆરી ૨૦૧૬ માં બંધારણીય કટોકટી પછી, જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારે તેમના નેતૃત્વનો વિસ્તાર ઝડપથી વિસ્તર્યો. જ્યારે કેન્દ્રીય શાસન હટાવવામાં આવ્યું ત્યારે તેઓ ભાજપ સમથત કલિખો પુલના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી બન્યા. જોકે આ સરકાર થોડા સમય માટે જ ચાલી.

સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી તુકી સરકારને પુન:સ્થાપિત કરવામાં આવી હતી પરંતુ ટુકીએ ટૂંક સમયમાં રાજીનામું આપી દીધું હતું. આ પછી, માત્ર ૩૭ વર્ષની ઉંમરે, ખાંડુ જુલાઈ ૨૦૧૬ માં મુખ્યમંત્રી બન્યા. ચીનની સરહદે આવેલા આ નિર્ણાયક રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, ખાંડુ અને તેમની કેબિનેટે બે વાર પક્ષો બદલ્યા છે – કોંગ્રેસમાંથી પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલ પ્રદેશ અને પછી ભાજપ, તે પણ માત્ર એક મહિનાના અંતરાલમાં . તેમના કાર્યકાળના માત્ર ત્રણ મહિના પછી, શાસક કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો ભાજપના સહયોગી પીપીએમાં જોડાયા હતા. વર્ષ ૨૦૧૯ માં, ખાંડુ બીજી વખત મુક્તો વિધાનસભા બેઠક પરથી જીત્યા અને કોઈપણ રાજકીય અવરોધ વિના મુખ્યમંત્રી બન્યા.બૌદ્ધ ધર્મને અનુસરતા ૪૫ વર્ષીય ખાંડુ આ વખતે સરહદી જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે.