પ્રેમ લગ્નમાં દીકરીના માતા-પિતાની સહી ફરજિયાતનો કાનૂન! વિધાનસભામાં માંગ

ગાંધીનગર,

ગુજરાતભરમાં વિવિધ સમાજોમાં પ્રવર્તતા લવ મેરેજ થકી છોકરીઓને ફસાવવાના સામાજિક મુદ્દાની ગુંજ આજે વિધાનસભામાં ઉઠી હતી. અત્યાર સુધી લવ જેહાદ થકી શહેરી વિસ્તારોમાં ચોકક્સ વર્ગ સમૂહની છોકરીઓને ફસાવવામાં આવતી હતી, હવે આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારો અને મોટા શહેરોથી નાના નગરો, ગામો, શહેરોમાં પ્રસરી છે. અગાઉ કોંગ્રેસ પક્ષના અને આજે શાસક પક્ષના ધારાસભ્યએ ગૃહમાં માંગણી કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારોમાં એક ચોકક્સ અને સુવ્યવસ્થિત રીતે છોકરીઓને ફોસલાવીને ફસાવવામાં આવે છે અને આવી ગેંગ બારોબાર બીજી જગાએ લવ મેરેજ રજિસ્ટ્રેશન કરાવે છે.

ત્યારે આવા લવ મેરેજ વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ, તેવો સરકારે કાયદો બનાવવો જોઈએ. વિધાનસભા ગૃહમાં આરોગ્ય પરિવાર કલ્યાણ તેમજ કાયદા વિભાગની માગણીઓ પર બોલતા કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અમારા પંચમહાલ જિલ્લામાં અસામાજિક તત્વો છોકરીઓની નાદાનીનો દુરુપયોગ કરે છે. પહેલાં છોકરીઓને ફોસલાવીને ફસાવે છે અને પછી બીજા જિલ્લાઓમાં જઈ લગ્નની નોંધણી કરાવી દેતા હોય છે. આના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉભા થાય છે. કેમ કે, આવા તત્વો ગુનાખોરી સાથે જોડાયેલા હોય છે.

પરિવારોને સહન કરવાનં આવે છે અને છેલ્લે લવ મેરેજ કરનાર છોકરીને પણ પસ્તાવો થતો હોય છે. ચૌહાણે કાયદામંત્રી ૠષિકેશ પટેલને ઉદ્દેશીને રજૂઆત કરી હતી કે, લવ મેરેજ સામે કોઈ વાંધો નથી, પરંતુ લગ્ન વખતે છોકરીના માતા-પિતાની પણ સહી હોય, જયાં જન્મી હોય એ ગામ, નગરમાં જ નોંધણી થાય તે ફરજિયાત કરતો કાયદો બનાવવો જોઈએ. તેમણે ગૃહ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં આ મુદ્દે સ્પષ્ટ કર્યું કે, તેમણે ગૃહમાં બહેન દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહે તેના મુદ્દે ચોકક્સ કાયદો બનાવવા માગ કરી હતી. ચૌહાણે એવું પણ સુચન કર્યું હતું કે, એક તરફ દીકરીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે આવી રીતે અસામાજિક તત્વો દ્વારા છોકરીઓને ફસાવવામાં આવે, પરિવારને અજાણ રાખી બારોબાર લગ્ન કરાવી લેતા હોય છે એનાથી પારિવારિક ઝઘડા પણ વધ્યા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ચૌહાણે એમ પણ ઉમેર્યું કે, ઘણા પરિવારો પોતાના વ્યવસાય, ધંધા નોકરીમાં વ્યસ્ત હોય, એમાં દીકરીઓ રોજેરોજ કયાં જાય છે, શું કરે છે એના પર સતત નજર રાખી શક્તા નથી. નાદાન છોકરીઓને આવા તત્વો ફસાવી લેતા હોય છે અને એટલે લવ મેરેજ કરનાર છોકરીને કયારેક આત્મહત્યા કરવી પડતી હોય છે. ઘણી વખત ઘરે પાછી આવેલી દીકરીને મા બાપ સમાજમાં આબરું જવાથી પોતાની સાથે રાખવા સંમત થતાં નથી. આમ, આ સામાજિક દૂષણ સામે કોઈ કાયદો બનાવવા વિધાનસભામાં માગણી કરી હતી. અહીં નોંધવું જરૂરી છે કે, ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજોના આગેવાનો, કુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહતના વગદાર આગેવાનો પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂકયા છે.