પ્રેમલગ્ન કરનાર પુત્રના પિતાની જાહેરમાં હત્યા : રોષે ભરાયેલી સાસુ ધોકો લઈ તૂટી પડી, વેવાઈ દમ ના તોડે ત્યાં સુધી સાસરીપક્ષ મારતો રહ્યો; લોકો તમાશો જોતા રહ્યા

કચ્છના માંડવી તાલુકાના બીદડા ગામે પ્રેમલગ્ન કરનાર પુત્રના પિતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ પ્રેમલગ્નથી નારાજ યુવતીનાં પરિવારજનોએ જ કરી છે. યુવકના પિતા બસ સ્ટેશન પાસે બેઠા હતા તે દરમિયાન રોષે ભરાયેલી સાસુ બે મહિલાઓ સાથે આવીને ધોકો લઈ તૂટી પડી હતી. વેવાઈ દમ ના તોડે ત્યાં સુધી સાસરીપક્ષ મારતો રહ્યો હતો. બીજી તરફ ત્યાં આસપાસમાં કેટલાય લોકો હાજર હતા. જોકે, તેઓ માત્ર તમાશો જોતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.

લાકડીથી અને ઢીકા પાટુનો માર માર્યો ‘જર,જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરુ” આ કહેવત કચ્છના માંડવી તાલુકાના બીદડા ગામે પુરવાર થઇ છે. જ્યાં પુત્રના પ્રેમલગ્ન બાબતે પિતાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. પુત્રના સાસરીપક્ષની ત્રણ મહિલાઓ અને એક પુરુષે સાથે મળી વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડીથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓ એટલી હદે ઉશ્કેરાટમાં આવી ગયા હતા કે, વૃદ્ધ ભાનમાં ન રહ્યા ત્યાં સુધી મારતા રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ વૃદ્ધનું ત્રણ દિવસની સારવાર બાદ આજે હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજયું છે. પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ અંગે કોડાયના પીઆઇ એચ એમ વાઘેલા સાથે વાત કરતા તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર 76 વર્ષીય લધાભાઈ સંઘારના પુત્ર રાજેશે થોડા માસ પહેલાં ગામમાં રહેતી અને પોતાના જ સમાજની યુવતી સાથે ભાગી જઈ પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કરી લીધા હતા.

પ્રેમલગ્નનું મનદુઃખ રાખી હુમલો કર્યો આ અંગેનું મનદુઃખ રાખી આરોપીઓ રાજબાઈ વિરમ સંઘાર ( સાકરિયા), જાનબાઈ બુધિયા, સોનબાઇ સાકરિયા વિશાલ રમેશ સંઘાર ( સાકરિયા)એ એક સંપ કરી ગત તા.27ના સાંજે 6.45 વાગ્યાના અરસામાં બીદડા ગામના બસ સ્ટેશન પાસે આવી નજીકની હોટેલ પાસે બેઠેલા લધાભાઈ ઉપર ધોકા તથા ધીકા-પાટુનો માર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ બાદ ભોગ બનનારને સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ પરિજનો દ્વારા પ્રથમ ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીધામની ડો.હેમાંગ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, દર્દીની સ્થિતિ તપાસી ખાનગી તબીબે તુરંત ગાંધીધામની રામબાગ સરકારી હોસ્પિટલમાં તેમને રિફર કર્યા હતા, જ્યાં આજે વહેલી સવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે. બન્ને પક્ષ સંઘાર સમાજના છે. મુખ્ય આરોપીમાં પુત્રીનાં માતા વીરબાઈ સાકરિયા તેમનાં સાસુ સોનબાઇ સાકરિયા અને સોનબાઇનાં બહેન જાનબાઈ તથા કૌટુંબિક ભત્રીજા વિશાલનો સમાવેશ થાય છે.

આ મામલે હતભાગીના મોટા પુત્ર દિનેશભાઇ સંઘારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ગત જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહે જ ત્રીજા નંબરનો સૌથી નાનો ભાઈ રાજેશ પરિવારની જાણ બહાર સમાજની યુવતીને ભગાડી ગયો હતો. આ બનાવ બાદ સામા પક્ષે ગત 3 જાન્યુઆરીના બીદડા આઉટ પોસ્ટ ખાતે અપહરણની ફરિયાદ કરેલી જેના આધારે કોડાય પોલીસે ભાઈને ટ્રેક કરી વાપી ખાતે શોધી લીધા હતા પરંતુ તેઓની પાસે લગ્ન નોંધણીના પુરાવા હોવાથી પોલીસ અટક કર્યા વિના પરત ફરી હતી. જોકે, ભાઈનો ત્યારબાદ અમારા પરિવાર સાથે કોઈ જ સંપર્ક રહ્યો નથી. આ વિશે તેણે ઘરમાં કોઈ જ પ્રકારની વાત પણ ક્યારેય કરી ન હતી, અન્યથા જરૂર કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાયો હોત.

વધુમાં કહ્યું કે, આ લગ્નની વાતની અમને કોઈને ખબર ન હતી, તેમ છતાં સામા પક્ષના લોકો શંકા રાખતા હતા. આ જ વહેમના પગલે મીઠાબેન અને ભાવનાબેન નામની મહિલાઓએ બે સપ્તાહ પૂર્વે ઘરે આવી પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સારું થયું નથી એટલે તમારું પણ સારું થશે નહીં. જે અંગેની ફરિયાદ સ્થાનિક બીદડા આઉટ પોસ્ટમાં કરી હતી પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે ગત તા 23ના ભુજ એસપી કચેરીએ લેખિત રજૂઆત કરી હતી, તેમ છતાં પોલીસે મામલાને ગંભીરતાથી લીધી નહીં અને હત્યાની ઘટનામાં પિતાને ગુમાવવા પડ્યા છે.