અમદાવાદ, ક્રાઈમ બ્રાંચે ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે આરોપીની મેઘાણીનગરથી ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.૯,૪૨,૦૦૦ ની કિંમતના ઈ-સિગારેટના ૬૨૮ નંગ કબજે કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે ગાંધી રોડ, જુમ્મા મસ્જિદ સામે વલંદાની હવેલી પાસેથી આરોપી અઝીમ એ.શેખ(૨૫)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.૫૦,૦૦૦ ની કિંમતની ૫૦ નંગ ઈ-સિગારેટ કબજે કરી હતી.
આરોપી અઝીમની પોલીસે પુછપરછ કરતા તેણે વલંદાની હવેલીની ગલી સ્થિત અરિહંત કિચન નામની દુકાનેથી ઈ-સિગારેટનો જથ્થો ખરીદી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીને સાથે રાખીને પોલીસે વધુ તપાસ કરતા આરોપી મનોજ ઝેડ. લખવારા(૩૪) ઝડપાઈ ગયો હતો. મેઘાણીનગરમાં રહેતા મનોજની અરિહંત કિચન નામની હુક્કા વેચાણની દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત ૫૭૮ નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો.આમ બન્ને આરોપી પાસેઓથી કુલ રૂ.૯,૬૭,૦૦૦ ની કિંમતનો ૬૨૮ નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.