કેન્દ્રની એનડીએ સરકારે એક આદેશ દ્વારા સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ગતિવિધિઓમાં સામેલ થવા પર લાગેલ રોકને હટાવી લીધી છે. સંઘે પણ આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું છે કે તત્કાલીન સરકારે નિરાધાર રીતે શાસકીય કર્મીઓના સંઘની ગતિવિધિઓમાં ભાગ લેવા પર રોક લગાવી હતી. એ પણ કે વર્તમાન સરકારનો નિર્ણય લોક્તાંત્રિક વ્યવસ્થાને પુષ્ટ કરનારો છે.
જ્યારે રાજકીય પંડિતો કયાસ લગાવી રહ્યા છે કે લોક્સભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ સંઘ અને સરકાર વચ્ચે મતભેદોના જે સમાચારો આવ્યા હતા, તે કડવાશ દૂર કરવાની આ કવાયત છે. અસલમાં હાલના દિવસોમાં સંઘ તરપથી જે નિવેદનો આવી રહ્યા હતા, તેનાથી લાગતું હતું કે ભાજપ અને સંઘના સંબંધો ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
સંઘના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભગવાન રામે એક અહંકારી પાર્ટીને રોકી છે, જે રામભક્ત હોવાનો દાવો કરે છે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં પણ લખવામાં આવ્યું હતું કે ભાજપ કાર્યર્ક્તાઓના અતિ ઉત્સાહને કારણે પાર્ટીના જનાધારમાં ઘટાડો થયો છે. સાથે જ સંઘ પ્રમુખે નામ લીધા વિના પાર્ટી નેતૃત્વને સુપરમેન અને ભગવાન સમજવાની મહત્ત્વાકાંક્ષાનો ઉલ્લેખ કર્યો હતો.
આ નિવેદનોથી અટકળો ચાલતી હતી કે સંઘનો ભાજપના શીર્ષ નેતૃત્વથી મોહભંગ થઈ ગયો છે. એવામાં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષે શતાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે ભાજપનું આ પગલું બંને વચ્ચે સંબંધો સામાન્ય કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું કહેવાઈ રહ્યું છે.
કેન્દ્રના આ નિર્ણય બાદ વિપક્ષી દળો સરકારની ટીકા કરી રહ્યા છે. કોંગ્રેસે સરકાર પર આ પ્રતિબંધ હટાવવાના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યા છે. કહેવાય છે કે જનસંઘ, વાજપેયી સરકાર અને મોદી સરકારની પાછલી એક દાયકાની સરકાર દરમ્યાન પણ આ પ્રતિબંધ હટાવાયો ન હતો. અસલમાં ૭ નવેમ્બર ૧૯૬૬ના રોજ સંસદ સામે ગોહત્યા વિરુદ્ઘ એક મોટું પ્રદર્શન થયું હતું. ત્યારે ઇન્દિરાનું શાસન હતું અને પોલીસે એકઠા થયેલા લોકો પર ગોળીઓ વરસાવી હતી અને કેટલાય લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ઇન્દિરા સરકારે સરકારી કર્મચારીઓના સંઘમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
જ્યારે સંઘનું કહેવું છે કે પોતાના રાજકીય સ્વાર્થને કારણે તત્કાલીન સરકારે શાસકીય કર્મચારીઓને સંઘ જેવા રચનાત્મક સંગઠનની ગતિવિધિઓમાં ભાગ લેવા માટે નિરાધાર પ્રતિબંધિત કર્યા હતા. જોકે આ આદેશને મય પ્રદેશ સહિત કેટલીય સરકારોએ રદ્દ કરી દીધો હતો, પરંતુ કેન્દ્ર સરકારના સ્તરે આ પ્રતિબંધ ચાલુ હતો. આ મામલે ઇન્દોરની એક અદાલતમાં વાદ ચાલી રહ્યો હતો, જેમાં અદાલતે આ બાબતે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. પછી કેન્દ્રએ એક આદેશ જારી કરીને આ પ્રતિબંધ ખતમ કરવાની ઘોષણા કરી છે.
વિપક્ષોનું માનવું છે કે સરકારી કર્મચારીઓનું બંધારણ અને કાયદાના દાયરામાં રહીને નિષ્પક્ષતા સાથે જનહિત અને જનકલ્યાણ માટે કામ કરવું જરૂરી હોય છે. કહેવાય છે કે સરકારનો નિર્ણય ધર્મનિરપેક્ષતાની દૃષ્ટિએ યોગ્ય નથી, કારણ કે તેનાથી કર્મચારીઓની તટસ્થતા પ્રભાવિત થાય છે. તેમ છતાં વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારતો આ પ્રતિબંધ છેવટે સરકારે ખતમ કર્યો તે યોગ્ય જ કર્યું છે.