લુણાવાડા,
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
કોરોનોની આ કામગીરીની સાથોસાથ વર્ષાઋતુ દરમિયાન તેમજ નવા વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગો જેવાં કે ટાઇફોઇડ, હિપેટાઇટીસ, કોલેરા, ડિસેન્ટ્રી જેવા રોગોની સામે નાગરિકોને રક્ષણ મળી રહે તેમજ તેઓની તંદુરસ્તી જળવાઇ રહે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા કૂવાઓનું કલોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ વિસ્તારમાં આવેલ વિવિધ ગામોના પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતાં હોય તેવા ૨૫ કુવાઓનું કલોરીનેશન કરવાની કામગીરી કરીને ગ્રામજનોને પીવાનું શુધ્ધ કલોરીનેશનયુકત પાણી મળી રહે તેમજ પાણીજન્ય રોગો સામે રક્ષણ મળી રહે તેવી કામગીરી કરવામાં આવી હતી.