પ્રથમ વરસાદમાં જ ગોધરા તાલુકામાં 4 નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાયા : તૂટેલા નાળા અને ગાબડા પાસે રેડિયમ વાળા સૂચક બોર્ડ મુકવા માંગ ઉઠી

  • નાના પુલિયાનું નામો નિશાન નહીં બચતા ભારે ભ્રષ્ટાચાર આચરાયો.
  • ગોલ્લાવ, દહીંકોટ,શનિયાડા અને મેરપ સહિતના 12 થી 15 ગામોને જોડતાં માર્ગો તુટતા સંપર્ક વિહોણા.
  • ગ્રામજનો, નોકરીયાત વર્ગ તથા રોજીંદી કામગીરી કરનાર વર્ગને ભારે મુશ્કેલીઓ
  • આસપાસના ગામોના વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી.
  • ભાજપા સરકારના પદાધિકારીઓ અને તંત્રમાં બેઠેલા અધિકારીઓ આ વિસ્તારનો તાત મેળવે તે આવશ્યક.

ગોધરા, તકલાદી બાંધકામના કારણે પહેલા જ વરસાદે ટુંકાગાળાના નિર્માણ થયેલા ગોધરા તાલુકાના બાંધકામ સામગ્રી તુટફુટ થઈને સંપર્ક વિહોણા અનેક ગામો બન્યા છે. જેમાં ગોલ્લાવ, દહીંકોટ, શનિયાડા અને મેરપ સહિતના 12 થી 15 ગામોને જોડતાં માર્ગો ઉપર આવેલા ડીપ અને નાના પુલિયાનું નામો નિશાન નહીં બચતા ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે. એક સપ્તાહ જેટલો સમય પસાર થતા સ્થિતી જૈસે થી બનતા સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, ગ્રામજનો, નોકરીયાત વર્ગ તથા રોજીંદી કામગીરી કરનાર વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી નિંદ્રાધીન ભાજપા સરકાર દ્વારા પુલના નવ નિર્માણ માટે પુરતી રકમ ફાળવવી કે હંગામી ધોરણે કામગીરી કરવામાં ન આવતાં ગ્રામજનોને યાતનાઓ વેઠવાનો વારો આવતા ભાજપા સરકાર સામે રોષની લાગણી વ્યાપી છે. જેમાં આસપાસના ગામોની શાળામાં જતા વિદ્યાર્થીઓ માટે રસ્તો બંધ થતાં તેઓનું ભાવિ અંંધકારમય મુકાયું છે.

ગત અઠવાડિયે પ્રથમ રાઉન્ડના અંતિમ રાઉન્ડના વરસાદી માહોલ જામવાની સાથે કયાંક સતત તો કયાંક ભારે વરસાદ વચ્ચે વાતાવરણ રચાયું હતું. પરંતુ સરકારી માલ મિલ્કતને ભારે તબાહી કરવામાં આવી હોવાના દ્દશ્યો નજરે પડે છે. પ્રથમ રાઉન્ડના ભારે વરસાદના કારણે ગોધરા તાલુકામાં આવેલા નદી-નાળા, તળાવમાં પાણીની નવી આવક થવાની સાથે જાવકનો કોઈ માર્ગ નહિં રહેતા પાણીના નિકાલ માટે ધમધોકાર પ્રવાહથી આવેલા પાણીના ફોર્સ એ આસપાસના બાંધકામ માળખાને નામોનિશાન મીટાવી દીધું છે. ટુંંકાગાળામાં બનેલા રોડ-રસ્તા, પુલ તથા કોઝ-વેને તોડફોડ કરીને બાંધકામ શાખાની રફેદફે થઈ હતી. જેમાં ગોધરા તાલુકાના ગોલ્લા થી લઈને શનિયાડા સુધીના 12 થી 15 ગામોને જોડતા રસ્તાઓ તથા પુલને ભારે નુકશાન પહોંચાડયું છે. છેલ્લા એક સપ્તાહથી જોવા મળતી ભયાનક સ્થિતીમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોલ્લાવ, દહીંકોટ, શનિયાડા અને મેરપ સહિતના 12 થી 15 ગામોને જોડતાં માર્ગો ઉપર આવેલા ડીપ અને નાના પુલિયા પ્રથમ વરસાદમાં જ કાગળના મહેલની જેમ ધોવાણ થઈ તૂટી જતાં અવરજવર કરતાં નાના મોટા વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ હંગામી ધોરણે માટી નાંખી સમારકામ કરવા પ્રયાસ કરાયો છે, પરંતુ જેમાં અકસ્માત થવાના સતત ભય વચ્ચે અહીંથી અવરજવર કરતાં સૌ પસાર થઈ રહ્યા છે. જેથી તૂટેલી રેલિંગ નવી નાંખવા ઉપરાંત તૂટેલા નાળા અને ગાબડા પાસે રેડિયમ વાળા સૂચક બોર્ડ મુકવા માંગ ઉઠી છે. લાંબો સમય પસાર થવા છતાં આ વિસ્તારમાં તંત્રએ હંગામી ધોરણે મરામત કે ભય દ્દર્શક સુચવતા બોર્ડ મુકવામાં તસ્દી લેવામાં નહીં આવતાં રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલકો ગરકાવ થવાની સાથે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. દિવસે પણ આવા અજાણ્યા વાહન ચાલકો નાની-મોટી ઈજાઓનો પણ ભોગ બની રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં થયેલ પ્રથમ ધોધમાર વરસાદના કારણે ગોધરા તાલુકાના છેવડાના વિસ્તારોને જોડતા નદી નાળાના પુલ દર ચોમાસે પત્તાના મહેલની માફક તૂટી જાય છે. ધોધમાર વરસેલા વરસાદે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પુલિયામાં કોન્ટ્રકટર અને સંબધિત તંત્રની મિલિભગતનું કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો છે. જેમાં ગામડાઓની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. આવી સ્થિતીમાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં આશ્ર્ચર્ય વ્યાપ્યું છે. બોકસ: ભ્રષ્ટાચારના પગલે બાળકો શાળાએ ન જતાં ભાવિ અંંધકારમય…

એક સપ્તાહ જેટલો સમય પસાર થવા છતાં ગોલ્લાવ વિસ્તારમાં ભારે ખુમારી સર્જતા બાંધકામ સુવિધાઓ પુરી પાડવામાં તંત્ર ભારે ઉદાસીનતા દાખવતા ગ્રામજનો તો ઠીક પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાંં અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા 100 ટકા હાજરી માટે આગ્રહ કરે છે. તો બીજી તરફ તંત્રના ધોર ભ્રષ્ટાચારના કારણે આવી સામગ્રી રફેદફે થયા બાદ પણ હંગારી ધોરણે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરવામાં આવતાં સરકાર જ આવા ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ભાવિ અંધકારમાં ધકેલતા હોવાનું જોવા મળે છે.

પરંતુ તંત્ર ધોરનિંદ્રામાં પોઢી રહ્યું છે…..

ગોધરા તાલુકાના સરસાવ, ભામૈયા, ગામડી, ઓરવાડા, ગોલ્લાવ, શનિયાડા અને દહીંકોટ સહિત 12 થી 15 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ નદી નાળા પર બનાવમાં આવેલા પુલિયા પત્તાના મહેલ જેમ ધોવાઈ જતા અવર જવર કરતા નાના મોટા વાહનચાલકોને દરરોજ હાલાકી અનુભવવી પડી રહી છે, પરંતુ તંત્ર ધોરનિંદ્રામાં પોઢી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે વરસ્યો હતો.

લોકો સંપર્ક વિહોણા બનતા ભારે નારાજગી…..

આ વરસાદી માહોલ દરમિયાન ગોધરા અને ઘોઘંબા તાલુકાના આંતરિક માર્ગો ઉપર આવેલા કેટલાક માર્ગો અને નાળા,ક્રોઝ વેને ભારે નુકશાન થવા સાથે તૂટી ગયા હતા. જેથી માર્ગો બંધ થઈ ગયા હતા. આ સ્થિતિ વચ્ચે અહીંથી રોજિંદી જરૂરિયાત માટે અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનો જોખમી રીતે પસાર થયા હતા. લોકો સં5ર્ક વિહોણા બનતા ભારે નારાજગી અનુભવી રહ્યા છે.

તાત્કાલિક ધોરણે માટી પુરાણ કરવા માંગ….

દરમિયાન માર્ગ મકાન જીલ્લા પંચાયત વિભાગ દ્વારા જિલ્લામાં તૂટેલા કોઝ વે અને નાળાનું સરવે કરાવવામાં આવ્યું હતું. આ સરવે દરમિયાન ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ચાર માર્ગો ઉપર નાળા તૂટી ગયા હોવાનું જણાય આવ્યું હતું. જેથી સંલગ્ન વિભાગે તાત્કાલિક ધોરણે માટી પુરાણ કરી અવરજવર થઈ શકે એવું આયોજન કર્યુ હોવાનું માર્ગ મકાન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે. જોકે, તૂટેલા નાળાના સ્થળે સ્થિતિ કઈક અલગ જ જોવા મળી હતી. અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો તૂટેલા નાળા તેમજ પડેલા ગાબડાના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત આ સ્થળોએ સતત અકસ્માતની દહેશત પણ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે એવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

ગુણવત્તા સામે પણ સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે.....
ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં પ્રથમ વરસાદે જ ભારે વેગીલું પાણી વહેતાં ડીપ નાળા તૂટી ગયા હતા. આ નાળાની ગુણવત્તા સામે પણ સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, એક જ વરસાદમાં આ સ્થિતિ થઈ છે. જેથી યોગ્ય કામગીરી કરવામાં આવે તો કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે. બીજી તરફ ખેડૂતોને આ તૂટેલા નાળાના કારણે કોતર કે નદીના પેલે પાર આવેલા ખેતરોમાં અવરજવર કરવા માટે ખૂબ તકલીફ સહન કરવી પડતી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.