પ્રથમ તબક્કાના મહારથીઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓથી લઈને પાર્ટીના વડાઓ સુધીના વીઆઇપી ઉમેદવારોની શાખ દાવ પર

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીની તૈયારીઓને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે અને ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્પ્રથમ તબક્કામાં દેશના ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થશે. આ સમયગાળા દરમિયાન આવી અનેક વીવીઆઇપી બેઠકો પર મતદાન થવાનું છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુની તમામ ૩૯ બેઠકો માટે ૧૯ એપ્રિલે મતદાન સમાપ્ત થશે. ભાજપ આ લોક્સભા ચૂંટણીમાં એનડીએને ૪૦૦ અને પાર્ટીને ૩૫૦ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. આ અંગે ભાજપ દક્ષિણના રાજ્યો ખાસ કરીને તમિલનાડુમાં જોરદાર પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતુર સીટ પરથી ટિકિટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુમાં ચૂંટણી રેલીઓમાં ઘણી વખત જોવા મળ્યા છે અને અન્નામલાઈના વખાણ કરી ચૂક્યા છે.

ભાજપે તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ ટી સુંદરરાજનને રાજ્યની ચેન્નાઈ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા એ રાજા નીલગીરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે આ સીટ પર કેન્દ્રીય મંત્રી એલ મુરુગનને ટિકિટ આપી છે. કોંગ્રેસે તમિલનાડુની શિવગંગા લોક્સભા સીટ પરથી કાત ચિદંગબરમને ટિકિટ આપી છે. તેમની સામે બીજેપીના ટી દેનાથન યાદવ અને એઆઇએમઆઇએમના ઝેવિયર દાસ છે.

આ વખતે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન ઉત્તર પ્રદેશની મુઝફરનગર સીટ જીતવાની શેખી કરી રહ્યા છે. આ સીટ પર સમાજવાદી પાર્ટીએ હરેન્દ્ર મલિક અને બીએસપીએ દારા પ્રજાપતિને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ આસામની ડિબ્રુગઢ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. અગાઉ આ બેઠક પરથી કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી સાંસદ હતા. તેમની ટિકિટ કાપીને સોનોવાલને આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી બે વખત ચૂંટણી જીતીને મોદી કેબિનેટમાં સ્થાન મેળવનાર સાંસદ જિતેન્દ્ર સિંહ ત્રીજી વખત રાજકીય મેદાનમાં છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે બીકાનેર લોક્સભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ સામે કોંગ્રેસના પૂર્વ મંત્રી ગોવિંદ રામ મેઘવાલ મેદાનમાં છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી હેટ્રિક બનાવવા માટે મેદાનમાં છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં તેઓ બે લાખથી વધુ મતોથી જીત્યા હતા. વર્ષ ૨૦૧૯માં તેમણે મહારાષ્ટ્ર કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ નાના પટોલેને ૨.૧૬ લાખ મતોથી હરાવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશની અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી જીત માટે હુંકાર કરી રહ્યા છે. ૨૦૦૪થી સાંસદ રહેલા કિરેન રિજિજુ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વખતે ફરી એકવાર તેઓ ચૂંટણી મેદાનમાં છે અને તેમની સ્પર્ધા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવાબ તુકી સામે છે.