- ઉડ્ડયન ક્ષેત્રે રોજગારી વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો,282 વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પડાયું.
- ઉડ્ડયન ક્ષેત્રે સરકારની યોજનાઓ આશીર્વાદ સમાન,મને ગર્વ છે કે આ સહાય મેળવનાર હું પ્રથમ વ્યક્તિ હતો – કેપ્ટન ડો.માણેક.
ગોધરા,
ગોધરા સ્થિત ડો.બાબા આંબેડકર ભવન ખાતે ઉડ્ડયન ક્ષેત્રે રોજગારી વિષયક માર્ગદર્શન સેમિનાર કેપ્ટન ડો.એ.ડી. માણેકની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં જિલ્લાના કુલ 282 વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી હાજરી આપી હતી.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી. અભિલાષા પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી મિત્રો દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કેપ્ટન ડો.એ.ડી.માણેકે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે તેમણે નાની ઉંમરમાં પાયલોટ બનવાનું સ્વપ્ન જોયું હતું. તેમણે કહ્યું કે આર્થિક પરિસ્થિતિ સારી નહોતી,ગરીબી અને ભૂખની સામે લડીને મક્કમતાથી આગળ વધ્યો અને પાયલોટ બન્યો હતો. તેઓ ગર્વથી કહે છે કે તેઓ ઉડ્ડયન વિભાગમાં પાયલોટ બનવા માટે સરકારની પ્રથમ સહાય મેળવનાર વ્યક્તિ છે. તેમણે ઉપસ્થિત વિધાર્થીઓને ફિટનેસ સહિત પાંચ સિદ્ધાંતો પર જેમાં તન, મન, બૌધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકતા પર આગળ વધવા આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી તથા જણાવ્યું હતું કે, ઉડ્ડયન ક્ષેત્રે અઢળક રોજગારીની તકો રહેલી છે તથા ગુજરાતના વિધાર્થીઓને આ ક્ષેત્રે તક મળે તો તેમને હું માર્ગદર્શન આપવા તૈયાર છું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન દ્વારા કરાયું હતું. તેમણે સરકારની ચાલતી વિવિધ યોજનાઓ વિશે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. તો પ્રાંત અધિકારી મોડાસા અમિત પરમારે જણાવ્યું હતું કે મનને મક્કમ બનાવી, સતત મહેનત કરવાથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે. તેમણે ઉપસ્થિત વિધાર્થીઓને પરીક્ષાલક્ષી માહિતી પૂરી પાડી હતી.
અહી નોંધનીય છે કે, સરકારની ઉડ્ડયન ક્ષેત્રે રોજગારી માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે રૂ.25 લાખની તથા એરક્રાફ્ટ ડિસ્પેચર ટ્રેનિંગ માટે રૂ.15 લાખની લોન અને કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે રૂ.45 લાખની શિષ્યવૃત્તિ થકી આજે હજારો વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે.
આ તકે નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગ પટેલ, વી.ડી.પરમાર, સુતરીયા સહિત સામાજીક આગેવાનો,વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ :- કોણ છે , કેપ્ટન ડો.એ.ડી.માણેક?
તેમનો જન્મ વ્યારામાં થયેલો, બારડોલી તાલુકાના માણેકપોર ગામમાં તેમનું બાળપણ વીતેલું, તેઓ એર ઇન્ડિયા એમ્પ્લોઇઝ ગિલ્ડ ટ્રેનિંગ સેન્ટર, મુંબઈના આચાર્ય બન્યા હતા. ભારત સરકારના ડાયરેકટર જનરલ સીવીલ એવીએશન દ્વારા વર્ષ 1985માં તેમને પ્રાઇવેટ પાયલટનું લાઇસન્સ મળ્યું હતું. તેમના પત્ની કુમુદ માણેક,પુત્ર અંકુર અને નીરવ તથા તેમની બંને પુત્રવધૂઓ એમ પરિવારના તમામ સભ્યો આજે પાયલટ છે. તેમનો પરિવાર ભારતનો પ્રથમ ફલાઈંગ ફેમિલી તરીકે જાણીતો છે. તેમણે ધ સ્કાયલાઈન એવી એશન ક્લબ, મુબઈમાં સ્થાપીને ઉડ્ડયન ક્ષેત્રે 3000થી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપી ચૂક્યા છે.