જામનગર, જામનગરમાં રણજીત નગર પટેલ સમાજમાં ચાલી રહેલા એક પ્રસંગમાં કુમળીવયના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી, જે દરમિયાન બાળકનું લિફ્ટ માં ફસાઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું,જે પ્રકરણમાં તપાસના અંતે જામનગરના મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ના સરકારી અધિકારીએ જાતે તપાસ કરી બાળમજૂરી કરાવનાર કેટરીંગ સર્વિસના બે સંચાલકો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
આ કાર્યવાહી ની વિગત એવી છે કે જામનગરના રણજીત નગર પટેલ સમાજમાં ગત ૨૬.૪.૨૦૨૪ ના દિવસે એક પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં ભોજન સમારંભ માટે કેટરિંગ સવસ ની ટીમને ઓર્ડર અપાયો હતો, અને લાલપુરમાં સપના નાસ્તા ભુવન ના સંચાલક ચિરાગભાઈ ઉર્ફે સંદીપભાઈ ગોકળભાઈ ગોરીયા તેમજ પંચેશ્ર્વર ટાવર પાસે રહેતા રાજુભાઈ કાનાભાઈ વાઘેલા દ્વારા કેટરિંગ નો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો. જે બંનેએ ઉપરોક્ત પ્રસંગમાં ૧૪ વર્ષથી નાની વયના બાળકને કામે રાખીને બાળ મજુરી કરાવવામાં આવતું હોવાથી બાળમજૂરી કરી રહેલા એક બાળકનું લિફ્ટમાં મજૂરી કામ દરમિયાન ફસાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ સંદર્ભે જામનગરની શ્રમ આયુક્ત કચેરી ના સરકારી અધિકારી ડી.ડી. રામી અને તેઓની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક ની તપાસણી કરવામાં આવી હતી, જે તપાસના અંતે, ૧૩ વર્ષની વયના એક બાળક પાસે બાળ મજુરી કરાવાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી કેટરીંગ સર્વિસ ના બંને સંચાલકો ચિરાગભાઈ તથા રાજુભાઈ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં સરકારી અધિકારી ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને બંને આરોપીઓ સામે ઘી ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૩,૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.