રાજકોટ,જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહની ભીતરમાં હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીનું કાળસ કાઢ્યાનો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે.
પોલીસ મુજબ મોટી દુમાલીના નિલેશભાઈ ઈસાકભાઈનો (ઉ.વ.૨૭)નો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તા.૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરાઈ હતી. નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સપાટી પર આવ્યું હતું. મૃતકના ભાઈ પ્રકાશે અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવતાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓને પકડી પાડયા હતા.
જેતપુરપાવી પીએસઆઇ હરપાલસિંહ જેતાવતે પુરાવાઓ એકત્ર કરી જયા રાઠવાને મુંબઈથી જ્યારે અપ્પુ સોનીને જેતપુરપાવીથી ઝડપી અટક કરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તા.૨૫ એપ્રિલના રોજ જયાએ અપ્પુ સોનીને કોલ કરીને ઉમરવા તારાપુર ગામની સીમમાં મળવા બોલાવ્યો હતો. અપ્પુ પોતાની કાર લઇ જયાને મળવા ત્યાં ગયો હતો. જયાં બિયર પીને બન્ને પ્રેમીઓ નશામાં ચકનાચૂર થઇ ગયા હતા. બન્ને વચ્ચે નિલેશ સંદર્ભે વાતચીત થઇ હતી. જેમાં અપ્પુએ કહ્યું કે મેં તને પહેલેથી જ કીધું હતું કે નિલેશ તને રાખવાનો નથી. જ્યા ખૂબ નશામાં હતી અને અપ્પુ સાથેની વાતચીતમાં ઉશ્કેરાટમાં આવી જતાં નિલેશને કોલ કરીને તેણે બોલાવ્યો હતો અને બાદમાં બન્નેએ ભેગા મળીને નિલેશનું કાળસ કાઢી નાંખવાના ગોઠલેવા તખ્તાને અંજામ આપ્યો હતો.
અપ્પુ અને જયાએ કિકાવાડા ગામેથી બિયર લીધી હતી.બન્ને કોરાજ પહોંચ્યા અને કોરાજના નિર્માણાધિન મંદિરની પાછળ અપ્પુ સોની છુપાઇ ગયો હતો. જયા અને નિલેશે બિયર ગટગટાવ્યું અને જયાએ નિલેશને કહ્યું તું મારી સાથે લગ્ન કરવાનો હતો તેનું શું કર્યું? નિલેશ પણ નશામાં ચૂર હતો. નશામાં ધૂત નિલેશ ભાન ભૂલેલો હતો અને તેણે જયા સાથે બેફામ વાણી વિલાસ કર્યો. નારાજ જયાએ મંદિરમાં સંતાયેલા અપ્પુ સોનીને બોલાવ્યો. અપ્પુ અને જયાએ ભેગા મળી નિલેશનું ગળું દબાવી ત્યાં જ નિર્મમ હત્યા કરી નાખી! કારમાં બંને જણે ટીંગાટોળી કરી નિલેશનો મૃતદેહ નાંખી રાયપુર કેનાલ પાસે લઇ ગયા. કેનાલમાં મૃતદેહ નાખવાનો પ્રયાસ કર્યો પણ આખો મૃતદેહ કેનાલમાં ગયો નહતો.
જેતપુરપાવી નગરમાં શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની જવેલરીની દુકાન ધરાવે છે. ૨૦૨૧થી જયા રાઠવા અપ્પુની દુકાને નાનું મોટું કામ કરતી અને અપ્પુએ તેણીને નોકરીએ રાખી લીધી હતી. બન્ને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ સંબંધો બંધાયા હતા.તેઓનો સંબંધ બે વર્ષથી ચાલતો હતો. જયા રાઠવા નિલેશને પણ પ્રેમ કરતી હતી.
મોટી દુમાલી ગામનો નિલેશભાઈ ઈસાકભાઇ (ઉ.વ.૨૭) સલૂન ચલાવતો હતો. તેજગઢમાં તેની દુકાન છે. નિલેશના લગ્ન થઈ ગયા હતા અને ૪ મહિનાનું તેને બાળક પણ છે. જેતપુર તાલુકાના પાલીયા ગામમાં રહેતી જયા રાઠવાને નિલેશ સાથે આઠ વર્ષથી પ્રેમ સંબંધો હતા. નિલેશે જયાને રાખવાના વાયદાઓ પણ કર્યા હતાં. પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જયા નિલેશ સાથે ઘર માંડવા માટે વારંવાર માંગણીઓ કરતી હતી. જો કે નિલેશ પરિણીત હતો જેથી તે વાયદાઓ કરતો હતો. આજ કાલમાં કરીશું એમ કહી જયાને પોતાની સાથે રાખવાનું તે ટાળતો.