
- હરીભક્ત અને બિલ્ડર એવા કમલેશ પટેલનો સંતોએ સંપર્ક કર્યો હતો.
અમદાવાદ,
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં અનેક ભક્તો પોતાની સેવા આપી રહ્યાં છે. હજારો સ્વયં સેવકો દુનિયાના ખુણે ખુણેથી મહોત્સવમાં સેવા માટે પહોંચ્યા છે. ત્યારે અમદાવાદના એક બિલ્ડરે પોતાના ૭૦૦ ફ્લેટ મહોત્સવમાં આવતા સ્વયંસેવકોને રહેવા માટે આપ્યા છે. કોણ છે આ બિલ્ડર અને શું છે તેમની આ અનોખી સેવા આવો જાણીએ.
આમ તો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની તૈયારીઓ છેલ્લા ૨ વર્ષથી ચાલી રહી છે. જેમાં અંદાજે ૮૦ હજાર જેટલા સ્વયંસેવકો પોતાની સેવા આપવા અલગ અલગ દેશમાંથી અને ભારતના અલગ અલગ રાજ્યમાંથી પહોંચ્યા છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી સંખ્યામાં સેવા આપવા આવનારા સ્વયંસેવકો માટે રહેવાની અગવડ પડે. પરંતુ સંસ્થા દ્વારા આ સ્વયંસેવકોને રહેવાની અગવડ ન પડે તે માટે સ્વામિનારાયણ સંસ્થાના જ હરીભક્ત અને બિલ્ડર એવા કમલેશ પટેલનો સંતોએ સંપર્ક કર્યો હતો.
કમલેશભાઈએ જણાવ્યું કે, મહોત્સવની શરુઆત થતી હતી. ત્યારે ફેબ્રુઆરીમાં સ્વયંસેવકો આવવાના હતા ત્યારે નિખીલેશ સ્વામી સાથે વાત થઈ હતી કે, આ સ્વયંસેવકોને રહેવાની વ્યવસ્થા કરવાની છે. ત્યારે અમારી એક સ્કીમમાં ૧૬૮ ફ્લેટ ખાલી હતા તે વ્યવસ્થા અમે સ્વયંસેવકો માટે કરી આપી હતી. આ ઉપરાંત અન્ય ફ્લેટ ગોદરેજ ગાર્ડન સીટીમાં ફ્લેટ તૈયાર થઈ રહ્યાં છે તે સ્વયંસેવકોને રહેવા આપ્યા છે. અંદાજે ૭૦૦થી ૮૦૦ ફ્લેટ સેવા માટે આપ્યા છે. જ્યારે શતાબ્દીની જગ્યાનો સર્વે થયો હતો. ત્યારે મારા ભાઈ સંતો સાથે સેવામાં હતા ત્યારે સંતોએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકોને ફ્લેટ આપવાના છે જેથી અમે ફ્લેટ રહેવા આપ્યા છે. ફ્લેટો માં સંસ્થા દ્વારા પથારી અને ઓઢવાની વ્યવસ્થા કરી આપી છે. પાણીની અને ન્હવાની વ્યવસ્થા પણ કરી આપી છે. હું જન્મથી જ બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલો છુ. પ્રમુખ સ્વામીના મહોત્સવ માટે અને સંસ્થા માટે અમે કરીએ તેટલું ઓછું છે. અમારા માટે આ ધન્યની વાત છે કે, અમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે.