પ્રમુખ પ્રમુખની ચૂંટણીનો બ્યુગલ વાગ્યો:દાહોદ જિલ્લા પંચાયત સહીત 9 પૈકી પાંચ તાલુકા પંચાયતોમા પ્રમુખ માટે આદિજાતિ અનામત બેઠક, 4 માં તાલુકા પંચાયતમાં આદિજાતિ મહિલા માટે અનામત રહેશે

દાહોદ, જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હવે જિલ્લા પંચાયત અને તમામ 9 તાલુકા પંચાયતોના પ્રમુખોની બેઠકોના પ્રકાર જાહેર કરાયા છે.જેમા તમામ પ્રમુખ પદ આદિજાતિ માટે અનામત છે. જેમાંથી ચાર તાલુકા પંચાયતોમા પ્રમુખપદ આદિજાતિ મહિલા માટે અનામત જાહેર કરાયા છે.

આગામી 16 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે.ત્યારે તે પહેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીઓ કરી દેવી જરૂરી હોવાથી વિકાસ કમિશ્ર્નર કક્ષાએથી જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે.જો કે ચુંટણીની તારીખ હાલ સુધી જાહેર કરવામા આવી નથી પરંતુ પ્રમુખપદની અનામત સ્થિતિની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામા આવી છે.

મોટા ભાગની બેઠકો આદિજાતિ માટે અનામત જ હોય છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટા ભાગની બેઠકો આદિજાતિ માટે અનામત હોય છે.તેવી જ રીતે પ્રમુખપદ પણ લગભગ આદિજાતિ માટે જ અનામત જાહેર થાય છે. આ વખતે પણ તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ આદિજાતિ માટે અનામત જાહેર કરવામા આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લા પંચાયત અને દેવગઢબારીઆ, ધાનપુર, ફતેપુરા, ગરબાડા અને સીંગવડ તાલુકા પંચાયતમા પ્રમુખપદની બેઠક આદિજાતિ માટે અનામત જાહેર થઈ છે. જ્યારે દાહોદ, ઝાલોદ, લીમખેડા અને સંજેલી તાલુકા પંચાયતમા પ્રમુખપદ આદિજાતિ મહિલા માટે અનામત રખાયા છે. આમ હવે પ્રમુખપદ માટે સોગઠાબાજી શરૂ થશે. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ જિલ્લા પંચાયત અને તમામ 9 તાલુકા પંચાયતોમા ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતી છે. ત્યારે ભાજપમાં પ્રમુખપદ સહિતના મલાઈદાર હોદ્દા મેળવવા માટે મુરતિયાઓ મોવડીઓના શરણે જશે તે નિશ્ર્ચિત છે. બીજી તરફ સામે લોકસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે કાઈક કાચુ ન કપાઈ જાય તેવી રીતે કોના નામ પર મહોર મારવી તે પણ મોવડી મંડળ માટે માથાનો દુખાવો બની રહેશે તેમ લાગી રહ્યુ છે.