ગોધરા, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ,પંચમહાલ દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ તાલીમ કેન્દ્ર,ગોધરા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં જીલ્લાના સાતેય તાલુકાઓમાંથી છેવાડાના ગામ સુધીના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અને આ પ્રકારની ખેતીમાં રસ દાખવનાર 1200થી વધારે ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ),વડોદરા ઝોને હાજરી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શિત કર્યા હતા અને હવે પછી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પોતાની જમીનને બંજર થતા અટકાવે એમ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં મકાઈ સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક તેમજ નાયબ પશુપાલન નિયામક,જીલ્લાના જીલ્લા ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી તેમજ જીલ્લા સંયોજક અને તાલુકા સંયોજકોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતોએ તેમની આગવી શૈલીથી સમજાવ્યું હતું કે પરિવાર સાથે જમીનને બચાવવી હશે તો આપણે ગાય આધારિત ખેતી કરવી પડશે જેના થકી ખેતીનો ખર્ચ ઓછો અને નહિવત જેવો થાય છે. પોતાના સ્વાનુભાવોથી ખેડૂતોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ખેતીથી તેઓ એક પુણ્યનું કામ કરી રહ્યા છે. અને ગામનું તેમજ દેશનું હૂંડિયામણ પણ બચાવી રહ્યા છે અને સાથે સાથે પર્યાવરણ અને સંસ્કૃતિના મૂલ્યનું પણ જતન કરી રહ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન જીલ્લાના મુખ્ય પાક મકાઈ, બાજરી તેમજ શાકભાજીના પાકોનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરએ પણ ખેડૂતોને વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરીને સમાજ તેમજ દેશ દુનિયામાં લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થાય તેવું કરવા માટે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા ખેડૂતોમાંથી પણ પ્રાકૃતિક ખેતીમાં વિશેષ કામગીરી કરી હતી અને જેમના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા. અને અત્યારે જેઓ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર કરે છે તેવા ખેડૂતોનું સાલ ઓઢાડી અને પ્રશિસ્તપત્ર આપીને મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો તેમજ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીના તમામ આયમો અને રોગ જીવાત અસ્ત્રોનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના તમામ સ્ટાફ અને ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.