પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પંચમહાલના 385થી વધુ ખેડૂતોને નવસારી ખાતે તાલીમ અપાઈ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા ખેડૂતોને જાગૃતિ અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેના અનુસંધાને પંચમહાલ જીલ્લાની આત્મા કચેરી અને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક વિકાસ બોર્ડના સંયુકત ઉપક્રમે પંચમહાલ જીલ્લાના ખેડૂતોને જીલ્લા બહાર તાલીમ આપવામાં હતી.

પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાના કુલ 385થી વધુ ખેડૂતોને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ ગૌશાળાની મુલાકાત લેવડાવી હતી. અન્ય પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જોઈને પ્રેરણા લઈને પંચમહાલ જીલ્લાના ખેડૂતો પણ વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તે હેતુથી તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ અંતર્ગત ખેડૂતોએ સરદાર સ્મૃતિ કેન્દ્રની મુલાકાત કરી તેની અંદર કેન્દ્રના હેડ ઝાલાએ કૃષિ, બાગાયત, અને પશુપાલનનું પ્રદર્શન બતાવ્યું હતું. કૃષિની અંદર ડાંગરની જાતો, કપાસની જાતો, શેરડીની જાતોના પ્રદર્શન બતાવ્યા પછી બાગાયતની અંદર કેસર, નીલમ, દશેરી, આલ્ફાન જો, મલ્લિકાની જાતોના પ્રદર્શન બતાવ્યા હતા.

તેમણે પશુપાલનની અંદર પ્રાકૃતિક ખેતીમાં ગીર તેમજ દેશી ગાયોનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત ભેસોની અને બળદની જાતો વિશેની માહિતી આપી હતી. કૃષિની અંદર આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ યાંત્રિકરણના પ્રદર્શન તેમજ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝ અંગે ડોક્ટર સ્વાતિ શર્માએ FPO વિશે માહિતી આપીને, તેના શું ફાયદા છે અને આપણે જે ઉત્પાદન લઈએ છીએ તેની શું માર્કેટ વ્યવસ્થા છે, તેના વિશે માહિતી આપી હતી. ખેડૂતોનું સીધું વેચાણ ગ્રાહકો સુધી પહોંચે છે, તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કેવીકેના વૈજ્ઞાનિક ડોક્ટર કે.શાહ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં બીજા અમૃત, જીવામૃત અને ઘન જીવામૃત વિશે માહિતી આપી હતી. કેવીકેના ફિલ્ડ પર ડાંગરની નર્સરીના ડાંગરના બિયારણને બીજા મૃતથી માવજત કરીને ખેડૂતોને નિદર્શન આપવામાં આવ્યું હતું. રોપણી વખતે પણ બીજામૃતમાં પલાળીને ડાંગર રોપવાથી તેનો વિકાસ તંદુરસ્ત થાય છે તેમ જણાવ્યું હતું. નાના ખેડૂતો માટે મશરૂમની ખેતી કેવી રીતે ફાયદાકારક છે તેની પણ માહિતી આપી હતી.