- પ્રાકૃતિક ખેતી થકી 1 એકર જમીનમાં શાકભાજી થકી સંતોષકારક કમાણી કરતા પ્રગતિશીલ ખેડૂત ભારતસિંહ ખપેડ.
- જંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર પાછળ જે ખર્ચ થતો હતો એ નહીવત થયો.
- ’જો દરેક ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરે તો જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવતા બન્ને જળવાઈ રહે છે’- ભારતસિંહ ખપેડ.
ચોમાસાના આગમન સાથે જ જાણે ખેડૂતો અને જમીન જીવંત થઇ જાય છે. ગાડું, બળદ અને હળને પોતાના ખેતરો તરફ હંકારતા તેઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. સીઝનલ પાક લેવા માટે આતુર ખેડૂતોના વિવિધ પ્લાનિંગમાં ઘણા વિકલ્પ હોય છે, જેમાંનો એક વિકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અથવા તો રાસાયણિક ખેતી પદ્ધતિ.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના ખેતી કાર્યમાં સહભાગી બની સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ થકી સહાય પણ આપવામાં આવી રહી છે, જેનો લાભ લઇ આજે ખેડૂતો ધીમે-ધીમે આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યા છે.
દાહોદ જીલ્લામાં ખેતી કરતા ખેડૂતો બાજુ નજર કરીએ તો મોટા ભાગના વિસ્તારમાં ચોમાસા સિવાય પાણીની અછતનો પ્રશ્ર્ન કાયમી રહેતો હોવા છતાં આજના સમયમાં જોઈએ તો દાહોદ જીલ્લામાં કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે. ખેડૂતો સીઝનલ પાક જેવા કે, ઘઉં, મકાઈ, સોયાબીન, મગ, અડદ, તુવેર અને ડાંગરની સાથોસાથ આંબા, નીલગીરી, સરગવા, શેરડી, સફરજન તેમજ લગભગ તમામ પ્રકારની શાકભાજી કરતા થયા છે. ખેતીવાડી અને બગાયતી વિભાગ દ્વારા મળતી અનેક વિધ યોજનાઓના હવે ખેડૂતો લાભ લેતા થયા છે.
આ જીલ્લામાં આજે શાકભાજી પાક કરતો વિસ્તાર પણ વધી રહ્યો છે. જેમાં મુખ્યત્વે ગુવાર, મરચા, રીંગણ, ટામેટા, ગલકા, સરગવા તેમજ ભીંડા જેવા રસોડામાં વપરાતા રોજિંદા શાકભાજીના પાક લેવાતા હોય છે.
હા, આપણે અહીં આવા જ એક પ્રગતિશીલ ખેડૂત 52 વર્ષીય ભારતસિંહ ખપેડની વાત કરવાની છે, જેઓ શાકભાજી તેમજ સીઝનલ પાક દ્વારા ખેતીમાં સંતોષકારક કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. ભારતસિંહ ખપેડ પોતાના ખેતરમાં સરગવો, ટામેટા, ગલકા તેમજ ભીંડાને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે કરી સંતોષકારક કમાણી કરી રહ્યા છે. તેઓએ 50 જેટલાં સફરજન તેમજ 30 જેટલા સરગવા ઉપરાંત શેરડીનો પણ પાક કર્યો છે. તેમનું કહેવું છે કે, તેઓ છેલ્લાં 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીને વરેલા છે. વર્ષ 2019 માં સુભાષ પાલેકરની અને આત્મા પ્રોજેક્ટના સહયોગ, તાલીમ અને પ્રેરણા વડે તેઓએ પ્રાકૃતિક ખેતીને અપનાવી હતી.
ભારતસિંહ ખપેડ પ્રાકૃતિક ખેતી વિશેનો પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, ” પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાસાયણિક ખાતર અને જંતુ નાશક દવા ખરીદવાનો જે ખર્ચ થતો હતો એ હવે સંપૂર્ણપણે નહીવત થઇ ગયો છે. જીવામૃત અને ઘન જીવામૃત વડે અળસીયા જે પહેલા નજરે નહોતા ચડતા તે હવે ધીમે ધીમે ખેતરમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું અડધું કામ તો આ અળસીયા જ કરી નાંખે છે. જમીનને પોચી બનાવી દે છે જેથી કરીને જમીનને ખેડવામાં સરળતા રહે છે. પ્રાકૃતિક ખેતીમાં ખાતરને ખરીદવાની જરૂર પડતી નથી, બસ થોડી મહેનત કરવાની જરૂર છે. ઘરે જ ખાતર બનાવી શકાય છે તો બહારનું મોંઘુ અને ઝેર યુક્ત ખાતર લાવી જમીન અને સ્વાસ્થ્યને બગાડી ડબલ નુકસાન કેમ કરવું..”