આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે અને તેમનો ખેતી ખર્ચ ઘટે તેમજ જમીનની ફળદ્રુપતા અને સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે તેમજ પર્યાવરણમાં પણ સંતુલન બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી અંતર્ગત પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના રિંછીયા ગામે કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર તેમજ ટેકનિકલ માસ્ટર ટ્રેનરએ પ્રાકૃતિક ખેતીની આપણે કેમ જરૂર પડી અને તેનાથી થતા ફાયદા બાબતે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખરીફ ઋતુમાં વધુમાં વધુ હલકા ધા પાકો જેવા કે બંટી, બાવટો, કાંગ અને કોદો મીલીટ જેવા પાકોનું વાવેતર વધે તે માટે માહિતી આપવામાં આવી હતી.
જીલ્લા સહ સંયોજકએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત ,આચ્છાદન અને વાપ્સા જેવી પ્રાકૃતિક બનાવટો તેના ફાયદાઓ અને ઉપયોગ બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તેમજ તેમણે પ્રાકૃતિક ખેતીમાં માત્ર આ જ આયામો થકી આપણે સૌથી વધુ ઉપજ લઈ શકીએ છીએ અને રોગમુક્ત સમાજનો ઉદય પણ તેના દ્વારા જ થશે તેમ જણાવ્યું હતું. ચોમાસાની ઋતુમાં ખેતીવાડી તેમજ બાગાયતી પાકોમાં વિવિધ રોગો સામે રક્ષણ કેવી રીતે મેળવવું,વિવિધ રોગનાશક અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવી બનાવટોનો ઉપયોગ બાબતે માર્ગદર્શન અપાયું હતું.
આ તકે પ્રગતિશીલ ખેડૂત દ્વારા પણ મહિલા ખેડૂતો સૌથી વધારેને વધારે પ્રાકૃતિક ખેતી કરે અને આપણા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે તે બાબતે જણાવ્યું હતું. ગામની ડેરીના ચેરમેન સેક્રેટરી પણ આ કાર્યક્રમમાં હાજર રહીને પશુપાલકોને આદર્શ પશુપાલન કરવા માર્ગદર્શન તેમજ અત્યારે રોગ સામે રસીકરણના કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર સ્નેહલ વરીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને જીવામૃતનું લાઈવ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું.