પ્રાકૃતિક ખેડૂત દ્વારા લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં મતદાન યોજાવાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેડા જીલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત અનેક સમુદાયો અને વ્યક્તિ વિશેષ દ્વારા મતદાન માટેની અપીલ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જીલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પ્રાકૃતિક હાટના સ્ટોલ ધારક અને ફાર્મર માસ્ટર ટ્રેનર રાજેશભાઈ આશાભાઈ પટેલે મતદાન માટે અપીલ કરી હતી.

પીપલગ ગામનાં પ્રાકૃતિક ખેડૂત અને ફાર્મર માસ્ટર ટ્રેનર રાજેશભાઈ આશાભાઈ પટેલ દ્વારા અચૂક મતદાન માટેની શપથ લેવામાં આવ્યા હતા. સાથે જ પ્રાકૃતિક ખેડુતે જીલ્લાના અન્ય ખેડૂતોને પણ 07 મે, 2024ના રોજ ફરજીયાત મતદાન કરવા માટે અપીલ કરી હતી. રાજેશભાઈ પટેલ એક પ્રાકૃતિક ખેડૂત માસ્ટર ટ્રેનર છે અને તેમના દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત 1000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી છે. તેઓ પોતાની જોડે તાલીમ પામેલા સર્વ ખેડૂતોને પણ અચૂક મતદાન કરવા પ્રેરણા આપશે.

ઉલ્લેખનીય છે કે, હાલ ખેડા જીલ્લામાં કુલ 35,891 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણને પ્રોત્સાહન આપવા જીલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે દર સોમવારે સવારે 10:00 થી 01:00 કલાક દરમિયાન પ્રાકૃતિક હાટ યોજાય છે. જેમાં જીલ્લાનાં ખેડૂતો તેમની ખેત પેદાશોનું વેચાણ કરતા હોય છે.