- ” અળસીયા ખેડૂતના પરમમિત્ર તેમજ સહકર્મી છે. પ્રાકૃતિક ખેતી વડે અળસીયાની સંખ્યા પણ વધી છે.” – સુરેશભાઈ પગી.
- બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, આચ્છાદન, બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવા કુદરતી હથિયાર વડે પાકને નુકસાન કરતી ઈયળો પર નિયંત્રણ લાવી શકાય છે તો પછી રાસાયણિકની જરૂર કેમ..!
દાહોદ જીલ્લામાં દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી ગામના રહેવાસી ખેડૂત સુરેશભાઈ પગી પોતે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતીને વરેલા છે. તેઓ પોતાની 2 એકર જમીનમાંથી 1 એકર જમીનમાં ફક્ત અને ફક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જ અપનાવી ખેતી કરે છે. જેમાં તેઓ ચોળી, ગવાર, ભીંડા, ટામેટા, રીંગણ, વાલોળ, કોળું, દૂધી, કારેલા જેવા શાકભાજી તેમજ ગલગોટા જેવા ફૂલોની ખેતી પણ કરે છે.
સુરેશભાઈ પગી પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની શરૂઆતની યાત્રા પોતાના શબ્દોમાં જણાવતા કહે છે કે, મને પ્રાકૃતિક ખેતીની જાણકારી મારા એક પરમ મિત્રએ આપી હતી. ત્યાર બાદ મને સોશિયલ મીડિયા પરથી પણ ઘણી જાણકારી મળી. દાહોદ જીલ્લા સિવાય અન્ય જીલ્લાઓમાં પણ તાલીમોમાં ભાગ લીધા બાદ મને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો. તાલીમમાં જે પ્રેક્ટિકલ કરાવવામા આવે છે તેના થકી પ્રાકૃતિક ખેતીને સમજવામાં વાર નથી લાગતી.
તેઓ વધુમાં જણાવે છે કે, મારી પાસે 3 ગાયો છે. જેના છાણ અને મૂત્ર વડે વડે ઘરે જ ખાતર બનાવી દઈએ છીએ. બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, આચ્છાદન, બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક ખેતીની મૂળ બાબતો છે. જેના વડે પાકને નુકસાન કરતી ઈયળો પર નિયંત્રણ લાવી શકાય છે. તેમજ બહારથી રાસાયણિક દવા લાવવાની જરૂર રહેતી નથી. ઘરે જ ખાતર અને દવા બન્ને બનાવી શકાય છે. અળસીયા એ ખેડૂતના પરમમિત્ર છે જમીનને પોચી બનાવવામાં તેની મોટો ફાળો રહેલો છે. વરસાદી પાણીને પણ નકામું વહી જતું અટકાવી પાણીને જમીનમાં જવા માટેના રસ્તા ખુલ્લા કરી આપે છે. અત્યારે પ્રાકૃતિક ખેતી વડે અળસીયાની સંખ્યા પણ વધી છે. જેનો એક ખેડૂત તરીકે મને ખુબ જ આનંદ છે.
મારા તમામ ખેડૂત ભાઈઓને એટલું જ કહેવું કે, પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી પદ્ધતિમાં જમીન – આસમાનનો ફરક છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ને રાસાયણિક દવા કે ખાતરના થતા નકામા ખર્ચાથી બચીએ. આપણો સમય, જમીન, પાક અને સ્વાસ્થ્ય બચાવીએ.
અળસીયા ખેડૂતના પરમમિત્ર તેમજ સહકર્મી છે. પ્રાકૃતિક ખેતી વડે અળસીયાની સંખ્યા પણ વધી છે, એમ કહેતા સુરેશભાઈ પગીએ વધુમાં કહ્યું હતું કે, બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, આચ્છાદન, બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવા કુદરતી હથિયાર વડે પાકને નુકસાન કરતી ઈયળો પર નિયંત્રણ લાવી શકાય છે તો પછી રાસાયણિકની જરૂર કેમ..!