કર્ણાટક સરકારે જનતા દળ (સેક્યુલર)ના વિદેશ ભાગી ગયેલા અને સેંકડો મહિલાઓનું જાતીય શોષણ તથા તેમના પર દુષ્કર્મ કરવાના આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા માટે વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે વિનંતી કરી છે.
પ્રજ્વલ રેવન્ના કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં આરોપી છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી આ વિનંતી પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલી વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યા બાદ તે જર્મની ભાગી ગયો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખીને રેવન્ના સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. પત્રમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે આ શરમજનક બાબત છે કે રેવન્ના સામે આરોપો અને પહેલી એફઆઈઆર નોંધાય તે પહેલા જ તેણે દેશ છોડી નાસી જવા માટે ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કર્યો.