ગાંધીનગર: પ્રજાસત્તાક દિને ગુજરાતના પાંચ આઇપીએસ ઓફિસર સહિત અનેક પોલીસ કર્મચારીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રેસિડેન્ટ મેડલ વડે સન્માનિત કરશે. પોલીસ સવસમાં જબરજસ્ત પ્રદાન કરવા બદલ વિવિધ રાજ્યના પોલીસ અધિકારીઓનું આ મેડલ વડે સન્માન કરવામાં આવે છે. ગુજરાતના પાંચ આઇપીએસ ઓફિસરને મેડલ મળવાનો છે તેમા એસપીજીમાં ગુજરાતના આઇપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ વડે સન્માનિત કરવામાં આવે છે. પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થા તેઓ સંભાળે છે. પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થા સંભાળવાથી મોટી જવાબદારી કઈ હોઈ શકે. તેથી તે ચોક્કસપણે આ મેડલના હક્કદાર છે.
આ ઉપરાંત અમદાવાદ રેન્જના આઇજી પ્રેમવીરસિંઘને પણ પ્રેસિડેન્ટ મેડલ મળવાનો છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી ટોચનું શહેર છે. આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવી જેવી તેવી વાત નથી. પ્રેમવીરસિંઘે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની સાથે કેસો ઉકેલવામાં આધુનિક પદ્ધતિઓનો તેમણે ઉપયોગ કર્યો છે.
આ સિવાય અમદાવાદના ટ્રાફિક પોલીસના એડિશનલ કમિશ્ર્નર નરેન્દ્ર ચૌધરી પણ પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત થશે. વડાપ્રધાન અને ગૃહપ્રધાન બંને ગુજરાતના છે અને બંને નિયમિત રીતે ગુજરાતની મુલાકાત આવતા હોય ત્યારે ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય રીતે સંચાલન કરવું જેવી તેવી વાત નથી. આ સિવાય વાઇબ્રન્ટ સહિતની અનેક ઇવેન્ટ્સનું અમદાવાદ નજીક આયોજન થાય છે ત્યારે તેમા નરેન્દ્ર ચૌધરીએ કરેલી મહેનત અને દાખવેલી આગવી કાબેલિયતને બધાએ વખાણી છે.
ગુજરાત બોર્ડર સ્ટેટ છે અને બોર્ડરની રખેવાળી બીએસએફ કરે છે. તેમા પણ ગુજરાતની સરહદ પાકિસ્તાનને અડીને આવેલી છે. પાક.ને અડીને આવેલા રાજ્યોમાં કેવી સ્થિતિ છે તે સર્વવિદિત છે. ઘૂસણખોરી તો થાય જ છે, પરંતુ ગુજરાતની સરહદનો ઉપયોગ ઘૂસણખોરી ઉપરાંત ડ્રગ્સની દાણચોરી માટે મોટાપાયે થાય છે. આ દાણચોરીને ડામવા બીએસએફના ડીઆઇજી મનિન્દર પવારે જબરજદસ્ત મહેનત કરી છે. તેના લીધે ગુજરાતમાં આવતા ડ્રગ્સનો મોટાભાગનો હિસ્સો તેમણે સફળતાપૂર્વક રોક્યો છે. આમ ગુજરાતને તેમણે ઉડતા ગુજરાત બનતા બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી પ્રેસિડેન્ટ મેડલ માટે તેમના નામની પસંદગી થઈ છે. આ ઉપરાંત સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર ગુજરાત પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પણ પ્રેસિડેન્ટ મેડલ મળવાનો છે.