
મુંબઈ,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ દાઉદ ઇબ્રાહિમના સાગરીત, સ્મગલર અને ગૅન્ગસ્ટર ઇકબાલ મિર્ચી (મૂળ નામ મોહમ્મદ ઇકબાલ મેમણ)ના મની લૉન્ડરિંગ કેસમાં હવે ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા પ્રફુલ પટેલની માલિકીના વરલીમાં આવેલા સીજે હાઉસના ચાર માળ જપ્ત કર્યા છે. હવે પ્રફુલ પટેલે એ ચાર માળ ઈડીને ખાલી કરી આપવા પડશે. ઈડી?એ આ સંદર્ભે કહ્યું છે કે આ કાર્યવાહી ગયા વર્ષે જ ચાલુ કરાઈ હતી, પણ હવે એ માટે સંબંધિત ઑથોરિટીએ એને કન્ફર્મ કરતાં હવે એનું અટૅચમેન્ટ કરવામાં આવશે. આ પહેલાં આ જ કેસમાં ઈડીએ ઇકબાલ મિર્ચીના સીજી હાઉસમાં આવેલા બે માળ જપ્ત કર્યા હતા. ટૂંક સમયમાં આ કેસમાં પ્રફુલ પટેલને ફરી એક વખત પૂછપરછ માટે બોલાવાય એવી શક્યતા છે. ઑક્ટોબર ૨૦૧૯માં આ જ કેસ સંબંધે ઈડીએ પ્રફુલ પટેલની ૧૨ કલાક પૂછપરછ કરી હતી.
પ્રફુલ પટેલ અને તેમના પરિવારના સભ્યોની કંપનીએ આ સીજે હાઉસનું નિર્માણ કર્યું હતું. એ બની ગયા પછી એના બે માળ ઇકબાલ મિર્ચીને આપવામાં આવ્યા હતા. ઈડીએ એ બે માળ પણ જપ્ત કર્યા છે. ઇકબાલ મિર્ચીનું ૨૦૧૩માં લંડનમાં અવસાન થયું હતું. આ જ કેસમાં દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના કપિલ અને ધીરજ વાધવાનની પણ તપાસ કરી હતી. આમાંથી ધીરજ વાધવાન હાલ જામીન પર છે, જ્યારે કપિલ વાધવાનની ધરપકડ કરાઈ છે.
આ કેસમાં આ ઉપરાંત ઇકબાલ મિર્ચીની પત્ની હાઝરા અને પુત્રો આસિફ અને જુનૈદને પણ કોર્ટ દ્વારા અનેક વાર પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ મોકલાયા છે, પણ તેઓ ક્યારેય હાજર રહ્યાં નથી. ઈડીએ ઇકબાલ મિર્ચીની વિદેશમાંની પ્રૉપર્ટી પણ જપ્ત કરી છે.