ગાંધીનગર : બાઇક ધીમે ચલાવવાનું કહીને ઠપકો આપ્યાની નજીવી બાબતમાં ઝગડો થયા બાદ યુવાનને તેના પિતરાઇ ભાઇએ છરીના ઘા ઝિંકી દઇને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ ગાંધીનગર નજીક ડભોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા પ્રભૂપુરા ગામમાં બન્યો હતો. આરોપીને તેની સાથે આવેલી માતાએ ઉશ્કેર્યો અને મૃતકની પત્નીને પણ મોતને ઘાટ ઉતારવાની ધમકી આપવા સબંધે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરૃ કરી હતી.
પોલીસ ફરિયાદ મુજબ આ બનાવમાં ભરતજી નેનાજી સોલંકી નામના ૪૦ વષય યુવાનને છાતીમાં છરીના ઘા મારી દઇને ખુન કરી નાંખવા સંબંધમાં પોલીસ દ્વારા મૃતકના પત્ની ચંદ્રિકાબેનની ફરિયાદ પરથી સંજયજી રતિલાલ ઠાકોર અને તેની માતા સુરતાબેન સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયદમાં જણાવાયા પ્રમાણે બે દિવસ પહેલા ભરતજી ઘરના ફળિયામાં ખાટલો નાંખીને સુતો હતો. દરમિયાન આરોપી સંજયજી ઝડપથી મોટરસાયકલ ચલાવીને ત્યાંથી નીકળતા તેને ધીમું ચલાવવા કહેવાની સાથે ઠપકો આપ્યો હતો. દરમિયાન તારીખ ૨૮મીએ સવારે પણ ભરતજીએ આ મુદ્દે સંજયજીના પિતાને વાત કરીને ઠપકો આપ્યો હતો. જેના પગલે બપોર વેળાએ સંજયજી અને તેની માતા સુરતાબેન ફળિયામાં આવ્યા હતાં. આ સમયે પણ ખાટલામાં સુતેલા ભરતજી સાથે બન્નેએ ઝગડો કર્યો હતો.
દરમિયાન ઉશ્કેરાયેલા સંજયજીએ છરી કાઢીને ભરતજીને છાતીમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતાં. ત્યારે સુરતાબેને તેને માર માર તેમ કહીને ઉશ્કેર્યો હતો. દરમિયાન ભરતજીની બુમો સાંભળીને ઘરમાંથી બહાર આવેલી પત્ની ચંદ્રિકાબેને બચાવવાના પ્રયત્નો કરતાં સુરતાબેને તેને પણ વચ્ચે પડીશ તો મારી નાંખીશુ તેમ કહીને ધમકી આપી હતી અને જતા રહ્યા હતાં. આ બનાવના પગલે ચંદ્રિકાબેને બુમરાણ મચાવતા આસપાસમાંથી કુટુંબી માણસો દોડા આવ્યા હતાં અને ભરતજીને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. પરંતુ ફરજ પરના તબીબે તેને નિષ્પ્રાણ જાહેર કર્યોે હતો.