
પ્રભાસ સ્ટાર ફિલ્મ કલકી પછી અમિતાભ બચ્ચનને વધુ એક સાઉથની ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે 32 વર્ષ પછી અમિતાભ બચ્ચન રજનીકાંત સાથે આ ફિલ્મમાં જોવા મળશે. એટલે કે રજનીકાંતની ફિલ્મ અમિતાભ બચ્ચનને પણ સાઇન કરી છે. ફિલ્મની થલાઈવર 170 ના નિર્માતા એ સત્તાવાર ઘોષણા કરી છે.
ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી એક સાથે સ્ક્રીન પર જોવા મળશે તેવી ઘોષણા કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન અને રજનીકાંત આ પહેલા 1991 માં આવેલી ફિલ્મ ‘હમ’માં એક સાથે જોવા મળ્યા હતા.
પ્રોડક્શન હાઉસ તરફથી સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરવામાં આવ્યો છે જેમાં ભારતીય સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચનનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પુષ્પા ફિલ્મમાં પોલીસ ઓફિસર બનેલા ફહદ ફાસિલ અને રાણા દૂગુબાટી પણ જોવા મળશે. જણાવી દઈએ કે રજનીકાંતની આ 170મી ફિલ્મ હશે.
જોકે આ ફિલ્મનું ટાઈટલ હજી જાહેર કરવામાં આવ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ટૂંક સમયમાં જ ફ્લોર પર આવશે. ફિલ્મ અંગે એ પણ જાણવા મળ્યું છે કે આ એક સામાજિક મેસેજ આપતી મનોરંજનથી ભરપૂર ફિલ્મ હશે. આ અંગે રજનીકાંત એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ પ્રોડ્યુસર લાયકા સાથે ફિલ્મ કરી રહ્યા છે જે એક મનોરંજનથી ભરપુર અને સામાજિક સંદેશ આપતી ફિલ્મ હશે. ફિલ્મનું શીર્ષક હજુ સુધી ફાઈનલ થયું નથી.
ફિલ્મ અંગે જાણવા મળ્યું છે કે ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદર તૈયાર કરશે. આ ફિલ્મમાં રિતિકા સિંહ, મંજુ વારિયર, દુષારા વિજયન પણ મુખ્ય ભૂમિકાઓમાં હશે. રજનીકાંતની ફિલ્મની વાત કરીએ તો છેલ્લે તેમની જેલર ફિલ્મ રિલીઝ થઈ હતી. 10 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ જેલર હવે ઓટીટી ઉપર પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મ સફળ રહી હતી અને કરોડોનો બિઝનેસ પણ કર્યો છે.