પાવર શો: વિજમાંગ ઐતિહાસિક ૨૨૦ ગીગાવોટ : રેકોર્ડ

નવીદિલ્હી, દેશમાં આકરા ઉનાળાને કારણે સતત વધી રહેલી વિજ માંગ એ ગઈકાલે એક ઐતિહાસિક નવો રેકોર્ડ બનાવ્યો છે અને તા.૧૭ના રોજ દેશમાં ડિમાંડ ૨૨૦ ગીગાવોટ નોંધાઈ છે જે અત્યાર સુધીની સૌથી વધુ ગીગાવોટ છે. દેશનાં મોટાભાગના રાજયોમાં હિટવેવની સ્થિતિ છે અને ૨૦૨૨માં ૨૧૨ ગીગાવોટની ડિમાન્ડ ૧૦ જૂનના રોજ નોંધાઈ હતી. તે બાદનો આ સૌથી મોટો રેકોર્ડ છે.

ગત વર્ષે તા.૧૬ જૂનના રોજ ૨૧૫.૧૧ ગીગાવોટની ડિમાન્ડ હતી. જો કે આ તમામ માંગને પહોંચી શકાયું ન હતું અને ૩૧૪ મેગાવોટની ખાધ રહી હતી. પરંતુ હજુ ઉનાળામાં સતત માંગ વધતી રહેશે. હિટવેવની સ્થિતિ જે રીતે ચાલુ રહી છે તે જોતા ચાલુ વર્ષે મહતમ ૨૩૦ ગીગાવોટની ડિમાન્ડ થઈ શકે છે. એપ્રિલ માસમાં ૧૮ તારીખે ૨૧૫.૮૮ ગીગાવોટની ડિમાન્ડ રહી હતી તે બાદની આ સૌથી વધુ માંગ છે.

એપ્રિલ-જૂનના કવાર્ટરમાં આ પ્રકારની વીજ માંગ સતત યથાવત રહેશે તેમ માનવામાં આવે છે. એપ્રિલ માસમાં માવઠા વગેરેની સ્થિતિથી થોડી માંગ ઘટી હતી પરંતુ મે માસમાં તે ફરી ઉંચકાઈ હતી અને દેશમાં જે રીતે તાપમાન વધી ગયું હતું તેથી વિજમાંગમાં વધારો નોંધાયો છે અને દેશમાં સરેરાશ રૂા.૫.૭૧ પ્રતિ યુનીટના ભાવે વિજળી વેચાઈ છે.

પાવર એક્સચેંજમાં ફક્ત ગઈકાલે બપોરે ૩થી૩.૧૫ વચ્ચે ૨૮૦૭ મેગાવોટ વિજળી જ બચી હતી. કેન્દ્ર સરકારે ૨૨૦ ગીગાવોટ વિજળી માંગ સરેરાશ રહેશે તેવી ધારણા કરીને કોલસાનો સ્ટોક ઉપલબ્ધ બનાવ્યો છે. એપ્રિલ અને જૂન માસ દરમ્યાન વિજળી ઉત્પાદન માટે ૨૨૨ મીલીયન ટન કોલસાની જરૂર પડશે અને તમામ વિજ કંપનીઓને તેની આવશ્યક્તાના છ ટકા વધુ કોલસાનો જથ્થો રાખવા આદેશ આપ્યો છે.